ખેડા જિલ્લાના માતર તાલુકાના લવાલ ગામેથી સોશિયલ મીડિયાને લગતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહિપતસિંહ ચૌહાણના પુત્ર ક્રિષ્નપાલસિંહ ચૌહાણ દ્વારા સમાજસેવાની રીલ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવતી હતી. આ બાબતની અદાવત રાખીને ગામના જ કેટલાક શખ્સો દ્વારા તેમની સાથે દુશ્મની રાખવામાં આવતી હતી. આ અદાવતના કારણે જ ગામના ગેટ પાસે 9 જેટલા શખ્સોએ ભેગા મળીને યુવક પર ઘાતક હુમલો કર્યો હતો.
લોખંડની પાઈપથી માથામાં હુમલો, કાકા અને મિત્રને પણ માર માર્યો
યુવક લવાલ ગામના ગેટ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ તાક રાખીને બેઠેલા 9 શખ્સોએ તેને ઘેરી લીધો હતો. આ દરમિયાન આરોપીઓએ ઉશ્કેરાઈને લોખંડની પાઈપ વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે ક્રિષ્નપાલસિંહ લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઝઘડામાં બચાવવા માટે વચ્ચે પડેલા તેમના કાકા અને મિત્ર સાથે પણ આરોપીઓએ બોલાચાલી કરીને મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

