ગુજરાતમાં પરપ્રાંતમાંથી ગેરકાયદેસર હથિયારો ઘુસાડવાના નેટવર્ક સામે ખેડા પોલીસે મોટી સફળતા મેળવી છે. ખેડા જિલ્લાની સેવાલિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઇન્દોરથી અમદાવાદ જતી એક ખાનગી લક્ઝરી બસમાંથી ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બસમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના એક શખ્સ પાસેથી 2 દેશી પિસ્ટલ અને 12 જીવતા કારતુસ કબજે કરીને તેની ધરપકડ કરી છે.

મધ્યપ્રદેશના જાવલીથી હથિયારો લાવ્યાનો ખુલાસો

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સેવાલિયા ચેકપોસ્ટ પર પોલીસ ટીમ દ્વારા ઇન્દોરથી અમદાવાદ તરફ જતી લક્ઝરી બસને રોકીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બસમાં સવાર ઉત્તર પ્રદેશના વતની રાજા અનવર અંસારી નામના શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા તેના સામાનની તલાશી લેવાઈ હતી, જેમાંથી 2 દેશી બનાવટની પિસ્ટલ અને 12 જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે હથિયારો સહિત કુલ ₹54,350નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ હથિયારો મધ્યપ્રદેશના જાવલી ખાતેથી લાવ્યો હોવાનો ખુલાસો કર્યો છે.

હથિયારો અમદાવાદમાં કોને આપવાના હતા તે દિશામાં પોલીસ તપાસ તેજ

સેવાલિયા પોલીસે આરોપી રાજા અનવર અંસારી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપી મધ્યપ્રદેશથી આ ગેરકાયદેસર હથિયારો અને કારતુસનો જથ્થો લઈને અમદાવાદ જઈ રહ્યો હતો, ત્યારે અમદાવાદમાં આ હથિયારોની ડિલિવરી કોને આપવાની હતી અને આ નેટવર્કમાં અન્ય કયા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સાક્ષીઓ ફરી ગયા; કોર્ટમાં કહ્યું કે અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી તેની ખબર નથી