અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં કોર્ટ કાર્યવાહી દરમિયાન એક અત્યંત મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ ગમખ્વાર અકસ્માત સમયે મુખ્ય આરોપી તથ્ય પટેલની સાથે કારમાં સવાર રહેલા પાંચ મહત્વના સાક્ષીઓ કોર્ટમાં હોસ્ટાઈલ (ફરી ગયા) જાહેર થયા છે. કારની અતિશય ઝડપ મુદ્દે આ સાક્ષીઓએ પોતાની અગાઉની જુબાનીમાં પલટો મારતા સમગ્ર કેસમાં નવો વળાંક ઊભો થયો છે.
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ
ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જાયો ત્યારે કારમાં તથ્ય પટેલ સહિત કુલ 6 લોકો સવાર હતા. અકસ્માતની ઘટના બાદ તપાસ દરમિયાન તથ્ય પટેલ સાથે કારમાં બેઠેલા આ પાંચેય સાક્ષીઓએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવ્યા હતા. જોકે, હવે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આ પાંચેય સાક્ષીઓએ કારની ઝડપ મુદ્દે પોતાની જુબાની બદલી નાખી છે. સાક્ષીઓએ કોર્ટ સમક્ષ ફેરવી તોળતા જણાવ્યું હતું કે, "કારની સ્પીડ અંગે અમને કોઈ જાણ કે ખબર નથી."
