ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અંગુથલા ગામેથી મળી આવેલી એક દિવસની નવજાત બાળકીના મોત મામલે પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક ખુલાસો થયો છે. અંગુથલા ગામના ગૌચરના કોતરમાંથી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જોકે, બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

સમાજમાં બદનામીના ડરથી પ્રેમીએ ગળું દબાવી ચરામાં ફેંકી દીધી હતી

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, સમાજમાં બદનામી થવાના ડરથી નવજાત બાળકીની જનેતા અને તેના પ્રેમીએ જ આ ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું હતું. પોલીસના દાવા મુજબ, 21 વર્ષીય માતા અને તેના 32 વર્ષીય પ્રેમીએ ભેગા મળીને બાળકીનો કાંટો કાઢવાનું નક્કી કર્યું હતું, જે અંતર્ગત પ્રેમીએ એક દિવસની માસૂમ બાળકીનું ગળું દબાવીને તેને અંગુથલા ગામના ગૌચરના ચરામાં ફેંકી દીધી હતી.

દહેગામ પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી માતા અને પ્રેમીની કરી ધરપકડ

માસૂમ બાળકીની હત્યાના આ ગંભીર બનાવમાં દહેગામ પોલીસની ટીમે અલગ-અલગ દિશામાં તપાસ હાથ ધરીને ગણતરીના સમયમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આ મામલે 21 વર્ષીય માતા અને 32 વર્ષીય પ્રેમી બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દહેગામ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 93, 103(1) અને 54 હેઠળ હત્યા સહિતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Godhra: સેન્ટ્રલ બસ સ્ટેન્ડ આગની લપેટમાં આવતા બળીને ખાખ, ફાયર સાધનો ફેબ્રુઆરીમાં જ એક્સ્પાયર થઈ ગયા હતા