પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલા સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગોધરામાં છેલ્લા દોઢ વર્ષથી બનાવવામાં આવેલા હંગામી (કામચલાઉ) સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં અચાનક આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે બસ સ્ટેન્ડનો મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે, આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી.
ગોધરામાં બસ સ્ટેન્ડમાં ભીષણ આગ
બસ સ્ટેન્ડમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, આગ અત્યંત વિકરાળ હોવાથી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે શહેરા અને કાલોલથી પણ ફાયર ફાઈટરના વાહનો બોલાવવાની ફરજ પડી હતી. ત્રણેય કેન્દ્રોના ફાયર જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. હાલ બસ સ્ટેશનમાં કયા કારણોસર આગ લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
