અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એક બેફામ સ્કોર્પિયો ચાલકે પૂરઝડપે કાર હંકારીને ભારે આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલી સ્કોર્પિયો કારે રસ્તામાં આવતા અનેક વાહનોને અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. આ શ્રેણીબદ્ધ અકસ્માતોમાં એક બાઈકસવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્ય વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે.
નરોડામાં પૂરઝડપે કાર હંકારીને ભારે આતંક મચાવ્યો
ઘટનાની વિગતો મુજબ, નરોડા વિસ્તારમાં પૂરઝડપે દોડતી સ્કોર્પિયો કારે સૌપ્રથમ નરોડા સ્મશાન પાસે એક વાહનચાલકને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ પણ કાર થોભાવવાના બદલે ચાલકે પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહેલા એક બાઈકસવારને અડફેટે લીધો હતો, જેમાં બાઈકસવારને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આટલું જ નહીં, બેફામ સ્કોર્પિયોએ વિઠ્ઠલ પ્લાઝા પાસે પાર્કિંગમાં ઊભેલાં અન્ય વાહનોને પણ ટક્કર મારીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
