દિવાળીના તહેવારોમાં વતન જનારા અને હરવા-ફરવા નીકળેલા મુસાફરોના ભારે ધસારાના કારણે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને ભારતીય રેલવે વિભાગને બમ્પર કમાણી થઈ છે. દિવાળીનો તહેવાર બંને પરિવહન વિભાગો માટે અત્યંત ફળદાયી સાબિત થયો છે, જેમાં મુસાફરોની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાતા કરોડો રૂપિયાની રેકોર્ડબ્રેક આવક થઈ છે.
GSRTC અને રેલવે વિભાગને બમ્પર કમાણી
એસટી નિગમના આંકડાઓ મુજબ, દિવાળીના તહેવારો દરમિયાન કુલ 16.75 લાખ જેટલી સીટોનું એડવાન્સ બુકિંગ નોંધાયું હતું. મુસાફરોના આ ભારે ધસારા અને એડવાન્સ બુકિંગના પરિણામે એસટી નિગમને ₹40.94 કરોડની માતબર આવક થવા પામી છે. ખાસ કરીને 15 નવેમ્બરના રોજ એસટીમાં સૌથી વધુ સીટ બુકિંગ નોંધાયું હતું, જેમાં માત્ર એક જ દિવસમાં 1.63 લાખ સીટ બુક થવાનો રેકોર્ડ સર્જાયો હતો.
