મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધને લઈને અત્યંત ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો છે. પાટણના 21 વર્ષીય યુવક રણજીતજી ચતુરજી ઠાકોરને પોતાની પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું હતું. યુવતીના રોષે ભરાયેલા પરિવારજનોએ તેને પકડીને આમલીના ઝાડ સાથે દોરડાથી બાંધી બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે આ યુવકનું કરુણ મોત નીપજ્યું છે.

રણજીતજી પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચ્યો

મળતી વિગતો અનુસાર, પાટણના રહેવાસી રણજીતજી ચતુરજી ઠાકોરને ખેરાલુના એક ગામની એક યુવતી સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ બંધાયો હતો. આ પ્રેમપ્રકરણ ચાલતું હોવાથી ગત 28 તારીખની મોડી રાત્રે આશરે 3:30 વાગ્યાથી સવારના 10 વાગ્યાના સમયગાળા દરમિયાન રણજીતજી પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. 

પરિવારજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો

દરમિયાન યુવતીના પરિવારના સભ્યો અચાનક જાગી ગયા હતા અને બંનેની આ મુલાકાત અંગેનો ભાંડો ફૂટી ગયો હતો. દીકરીના પ્રેમસંબંધની જાણ થતાં જ પરિવારજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. રોષે ભરાયેલા પરિવારજનોએ કાયદો હાથમાં લીધો હતો. તેઓએ ભેગા મળીને રણજીતજીને તાત્કાલિક ઝડપી લીધો હતો. ત્યારબાદ ઘરની નજીક આવેલા આમલીના ઝાડ સાથે તેને મજબૂત દોરડા વડે બાંધી દેવામાં આવ્યો હતો.

યુવક પર આડેધડ હુમલો શરૂ કર્યો હતો.

ઉશ્કેરાયેલા સ્વજનોએ માનવતા ભૂલીને યુવક પર આડેધડ હુમલો શરૂ કર્યો હતો. કલાકો સુધી ચાલેલી આ પાશવી મારઝૂડમાં રણજીતજીને શરીરના વિવિધ ભાગો પર અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અસહ્ય શારીરિક ત્રાસ અને ગંભીર ઈજાઓના અંતે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પોલીસ અધિકારીઓ દોડી આવ્યા

આ ચકચારી ઘટના અંગે ખેરાલુ પોલીસ મથકે જાણ કરવામાં આવતા ઉચ્ચ પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આ મામલે મૃતક રણજીતજીના પરિવારજનો દ્વારા આપવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ હત્યા કેસમાં કુલ 4 આરોપીઓ સામે કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં યુવતીના ભાઈ હિતેશજી, કાકા ભેમાજી, મામા રામાજી અને માતા હંસાબેનનો સમાવેશ થાય છે. 

કાકા ભેમાજી અને માતા હંસાબેનની ધરપકડ 

પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને બે આરોપીઓ કાકા ભેમાજી અને માતા હંસાબેનની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓની પોલીસ દ્વારા આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ ભાઈ હિતેશજી અને મામા રામાજી હાલમાં ફરાર થઈ ગયા છે. પોલીસે ફરાર થઈ ગયેલા બંને આરોપીઓને સત્વરે ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. 


આ પણ વાંચો :    Anand : SOGના PSI વી.એન. રાઠોડ સામે 2 લાખની લાંચનો ગંભીર આરોપ, વચેટિયો ACBના છટકામાં ઝડપાયો