આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી) ખાતે ફરજ બજાવતા પીએસઆઈ વતી બે લાખ રૂપિયાની લાંચ લેતા વચેટિયાને અમદાવાદ એસીબીની ટીમે છટકું ગોઠવીને ઝડપી પાડ્યો છે. ફ્રીઝ થયેલું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા અને ગુનામાં ધરપકડ નહીં કરવાના બદલામાં આ લાંચ માગવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન પીએસઆઈ હાજર મળ્યા નહોતા, જ્યારે વચેટિયાની કારમાંથી મોટી રોકડ મળી આવી છે.

પીએસઆઈ વી.એન. રાઠોડ સામે બે લાખ રૂપિયાની લાંચ માગ્યાનો આરોપ 

સમગ્ર બનાવની વિગત મુજબ આણંદ એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડ સામે બે લાખ રૂપિયાની લાંચ માગ્યાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. એક ગુના સંદર્ભે ફ્રીઝ કરવામાં આવેલું બેંક એકાઉન્ટ ફરીથી અનફ્રીઝ કરવા માટે તેમજ તે સંબંધિત ગુનામાં ધરપકડ નહીં કરવાની અવેજ પેટે બે લાખ રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી. 

દિલીપ પટેલ નામના વચેટિયાની મદદ લેવામાં આવી 

આ ગેરકાયદે નાણાકીય વ્યવહાર માટે પ્રજાજન દિલીપ પટેલ નામના વચેટિયાની મદદ લેવામાં આવી હતી. આ મામલે એસીબી સમક્ષ રજૂઆત કરવામાં આવતાં અમદાવાદ એસીબીની ફીલ્ડ-1 ટીમ દ્વારા સમગ્ર મામલાની ગંભીરતા સમજીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ સમગ્ર ટ્રેપિંગ કામગીરી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. પટેલ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને લાંચિયા તત્ત્વોને પકડવા માટે કાયદેસરનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસઓજી ઓફિસના દરવાજા પાસે વોચ ગોઠવી

અમદાવાદ એસીબીની ટીમે પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ આણંદ ખાતે આવેલી એસઓજી ઓફિસના દરવાજા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી દિલીપ પટેલે એસઓજી ઓફિસના પ્રવેશદ્વાર નજીક પોતાની કારમાં બેસીને પીએસઆઈ વી.એન. રાઠોડ વતી બે લાખ રૂપિયાની લાંચની રકમ સ્વીકારી હતી.

વચેટિયા દિલીપ પટેલને રંગેહાથ ઝડપી લીધો 

લાંચની રકમ સ્વીકારાતાં જ તકેદારી રાખીને ઊભેલી એસીબીની ટીમે તુરંત તરાપ મારીને વચેટિયા દિલીપ પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો. જોકે, આ છટકા દરમિયાન મુખ્ય આરોપી એવા એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડ સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા. જેથી એસીબીની ટીમે ઘટનાસ્થળે પકડાયેલા વચેટિયા દિલીપ પટેલ સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી હતી અને ગેરકાયદેસર રીતે સ્વીકારેલી બે લાખ રૂપિયાની લાંચની રકમ પણ જપ્ત કરી લીધી હતી.

કારમાંથી રૂ. 49 લાખની માતબર રોકડ રકમ પણ મળી આવી

ટ્રેપ દરમિયાન ઝડપાયેલા આરોપી દિલીપ પટેલની કારની તપાસ હાથ ધરવામાં આવતાં એસીબીના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેની કારમાંથી લાંચ પેટે લેવાયેલા બે લાખ રૂપિયા ઉપરાંત અન્ય રૂ. 49 લાખની માતબર રોકડ રકમ પણ મળી આવી હતી. 

એસીબીએ વધુ તપાસ શરુ કરી

એસીબી દ્વારા આ રૂ. 49 લાખ રોકડા જપ્ત કરીને આટલી મોટી રકમ ક્યાંથી આવી, કોની છે અને કયા હેતુ માટે રાખવામાં આવી હતી તે અંગે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર લાંચ પ્રકરણમાં એસઓજીના પીએસઆઈ વી.એન. રાઠોડ તેમજ પ્રજાજન દિલીપ પટેલ બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર મામલે અમદાવાદ એસીબીની ટીમ દ્વારા આગળની વધુ કાયદેસર તપાસ ચાલુ રાખવામાં આવી છે. 


આ પણ વાંચો  :   Smit Macharના માથાની પાછળ લાગેલા ટાંકા જ દર્શાવે છે કે હુમલો કેવો ઘાતક હતો, ઘાના નિશાન બહાદુરીના સાક્ષી