મહીસાગર જિલ્લામાંથી સરકારી નોકરીની લાલચ આપીને બેરોજગાર યુવક-યુવતીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજ્યની ઇમરજન્સી સેવાઓ ગણાતી 112 અને મહિલા હેલ્પલાઇન 181 માં નોકરી અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી હોવાનું બહાર આવતા યુવા વર્ગમાં રોષ ફેલાયો છે. આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
58 ઉમેદવારો પાસેથી 11,20,650 રૂપિયા પડાવ્યાનો આક્ષેપ
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી મહીપાલસિંહ વિજયસિંહ જાદવ નામના શખ્સે ભોળા યુવક-યુવતીઓને 112 અને 181 સેવાઓમાં સહેલાઈથી સરકારી નોકરી અપાવી દેવાની ખાતરી આપી હતી. આ લોભામણી વાતોમાં આવીને કુલ 58 જેટલા બેરોજગાર ઉમેદવારોએ નોકરી મેળવવાની આશામાં આરોપીને કુલ રૂપિયા 11,20,650 આપ્યા હતા. જો કે, લાંબો સમય વીતી જવા છતાં નોકરી ન મળતા અને આપેલા નાણાં પણ પરત ન આપતા યુવકોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
