ખેરાલુ વિસનગર હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.પૂરપાટ ઝડપે આવી રહેલી દારૂ ભરેલી ફોરચુનર કારે બાઈક ચાલકને જોરદાર ટક્કર મારી હતી.આ અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે બાઈક પર સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.આ અકસ્માતમાં મોતને ભેટનાર બાઈક ચાલક ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માત સર્જનાર ફોરચુનર કારમાં દારૂ ભરેલો હતો

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતક મુકેશભાઈ સથવારા હોવાનું સામે આવ્યું છે.મુકેશભાઈ પોતાની બાઈક પર એક મહિલા સાથે જઈ રહ્યા હતા ત્યારે દારૂ ભરેલી ફોરચુનર કારે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.આ ગંભીર ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક મુકેશભાઈ સથવારાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે બાઈક પર સવાર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માત થતાં જ 112 પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બાઈકને ટક્કર માર્યા બાદ ફોરચુનર કારનો ચાલક અકસ્માત સર્જીને નજીકમાં પોતાની ગાડી મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.આ અકસ્માત સર્જનાર ફોરચુનર કારમાં દારૂ ભરેલો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

લોકો દ્વારા દારૂની લૂંટ ચલાવવામાં આવી હતી

કારમાં દારૂ ભરેલો હોવાની વાત સામે આવતાં જ આસપાસના લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.ત્યારબાદ સ્થાનિક લોકોએ તે ફોરચુનર કારમાંથી દારૂની ખુલ્લેઆમ લૂંટ ચલાવી હતી.ઘટનાસ્થળે પોલીસ પહોંચે તે પહેલાં જ લોકો કારમાંથી દારૂની લૂંટ ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિની સ્થિતિ જોવાને બદલે લોકો દ્વારા દારૂની લૂંટ ચલાવવામાં આવી હતી.આ સમગ્ર બનાવની જાણ થતાં જ ઘટનાસ્થળે વડનગર પોલીસ પહોંચી હતી.વડનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.જોકે અકસ્માત સર્જનારી આ દારૂ ભરેલી ફોરચુનર કાર કોની હતી અને આટલો બધો દારૂ ભરીને કાર ક્યાં જતી હતી તે તમામ બાબત હજુ સુધી અકબંધ રહી છે.આ અકસ્માત સર્જીને ગાડી મૂકી ફરાર થઈ ગયેલા કાર ચાલક અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News : મોટા ઉપાડે તૈયાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ શોભાના ગાંઠિયા સમાન! કરોડોના ખર્ચ છતાં સુવિધાઓ રામભરોસે