ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં ઓનલાઇન નાણાકીય છેતરપિંડી આચરતી ગેંગ હવે પકડથી બચવા માટે સ્થાનિક સ્તરે કેવા કીમિયા અપનાવે છે, તેનો જીવંત દાખલો પાટણ પોલીસે શોધી કાઢ્યો છે. પાટણ સાયબર ક્રાઇમ સેલ અને સ્થાનિક પોલીસે સંયુક્ત રીતે 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.૦' અંતર્ગત રેડ પાડીને ડિજિટલ મની લોન્ડરિંગના એક બહુ મોટા આંતરરાજ્ય નેટવર્કને તોડી પાડ્યું છે. આ કેસમાં પોલીસે પાટણના જ મુખ્ય દલાલ નિલેશ રાઠોડની ધરપકડ કરી લીધી છે.


કેવી રીતે ચાલતો હતો ગોરખધંધો 

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ પાટણ અને આસપાસના ગ્રામ્ય પંથકના સામાન્ય કે ઓછું ભણેલા લોકોને પોતાના નિશાના પર લેતી હતી. આ લોકોને લાલચ આપીને તેમના નામ પર બેંકમાં ખાતા ખોલાવવામાં આવતા હતા અથવા તો તેમના ચાલુ ખાતા મેળવી લેવાતા હતા. આ ખાતાધારકોને માત્ર 2,000 થી 5,000 રૂપિયા પકડાવી દેવાતા હતા, જ્યારે આ ખાતાઓ સાયબર માફિયાઓ સુધી પહોંચાડવા માટે મુખ્ય દલાલ નિલેશ રાઠોડને પ્રતિ ખાતા દીઠ રૂા. 7,000 સુધીનું મજબૂત કમિશન મળતું હતું. આ એકાઉન્ટ્સનો ઉપયોગ દેશભરમાંથી ડિજિટલ ફ્રોડ દ્વારા લૂંટાયેલા કરોડો રૂપિયા જમા કરવા અને વિડ્રો કરવા માટે થતો હતો.

કરોડોના ટ્રાન્ઝેક્શન અને રાષ્ટ્રીય ફરિયાદો

પકડાયેલા દલાલ નિલેશ રાઠોડના ઘરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેના ઘરમાંથી જાણે કોઈ બેંકની બ્રાન્ચ હોય તેમ 41 પાસબુક, 39 ચેકબુક અને 47 જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા છે, જે તમામ અન્ય સામાન્ય લોકોના નામે છે. આ સાથે ગુનામાં વપરાતા 9 સીમકાર્ડ પણ જપ્ત કરાયા છે. જ્યારે પોલીસે ટેકનિકલ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે આ જ ભાડે લીધેલા બેંક ખાતાઓ સામે દેશના અલગ-અલગ રાજ્યોમાંથી નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ૫૦ જેટલી સત્તાવાર ફરિયાદો પહેલેથી જ નોંધાઈ ચૂકી છે.

મુખ્ય સૂત્રધારની શોધખોળ તેજ

પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ આખા રેકેટ પાછળનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ચેતન ઠક્કર છે, જે હાલ પોલીસની રેડ પડતા જ ફરાર થઈ ગયો છે. ચેતન ઠક્કરની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસને દ્રઢ આશંકા છે કે ચેતન ઠક્કર ઝડપાયા બાદ આ કેસના તાર આંતરરાષ્ટ્રીય અથવા અન્ય મોટા સાયબર હબ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થઈ શકે છે.

આ પણ વાંચો:Ahmedabad: વાસણા બેરેજના દરવાજાનું નવીનીકરણ પૂર્ણ, નર્મદાના નવા જળથી છલકાશે અમદાવાદની જીવાદોરી


  • Follow us on: