સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પંથકમાં દારૂબંધીના દાવાઓ પોાલા સાબિત થતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દિવાળીના તહેવારોની મોસમમાં બુટલેગરો સંપૂર્ણપણે સક્રિય થઈ ગયા છે. પ્રાંતિજના મહુડી રોડ પર કાળુસિંહ નામના બુટલેગર દ્વારા ચલાવાતી અસામાજિક પ્રવૃત્તિનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક સગીર યુવાન ખુલ્લેઆમ અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથે નજરે પડી રહ્યો છે.

પોલીસ સ્ટેશનથી થોડે જ દૂર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ

વાયરલ થયેલા આ વિડીયોમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી માત્ર થોડી જ દૂરી પર દારૂનું વેચાણ થતું હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પોલીસને મસમોટા હપ્તા પહોંચાડવામાં આવતા હોવાને કારણે બુટલેગરો બેફામ બન્યા છે, અને રાજસ્થાન જેવા પ્રદેશોની જેમ અહીં પણ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસની નજર હેઠળ જ ચાલતા આ ગેરકાયદે ધંધાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દિવાળીમાં દારૂબંધીના ધજાગરા, યુવાધન બરબાદ થવાની ચિંતા

ગુજરાતમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં તહેવારોના દિવસોમાં દારૂની રેલમછેલ થવાને કારણે કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ખુલ્લેઆમ સગીરો પાસે દારૂ વેચાવવામાં આવતો હોવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાની ચિંતા વાલીઓ અને જાગૃત નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.

Sabarkantha News: Viral Video Shows Minor Selling Liquor Near Police Station in Prantij, Prohibition Defied

ખાખીની રહેમનજર સામે સવાલો, તંત્ર દ્વારા તપાસની માગ

સ્થાનિક સ્તરે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા અથવા મિલીભગત સામે આક્ષેપો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક તપાસ કરવામાં આવે અને પ્રાંતિજ પંથકમાં સક્રિય બુટલેગરો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી છે.


આ પણ વાંચો: Sabarkantha News: ઇલોલ-હિંમતનગર હાઇવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું મોત!