વિંછીયા તાલુકાના છાછીયા ગામે પ્રેમ પ્રકરણના મામલે ભારે તોડફોડ અને આગચંપીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામમાં યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા બાદ ઉશ્કેરાયેલા લોકોએ ગઈ કાલે રાત્રે હુમલો કર્યો હતો. યુવતીને હાજર ન કરાતાં હથિયારો સાથે આવેલા વીસથી વધુ લોકોએ યુવકનું મકાન સળગાવી દીધું હોવાનો પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે.

મોટું ટોળું યુવકના ઘરે પહોંચ્યું

વિંછીયાના છાછીયા ગામે બનેલી આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર યુવક અને યુવતી બંને ઘરેથી ભાગી ગયા હતા. આ પ્રેમ પ્રકરણની અદાવત રાખીને ગઈ કાલે રાત્રે ધારિયા અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વીસથી વધુ લોકોનું મોટું ટોળું યુવકના ઘરે પહોંચ્યું હતું. 

યુવકનું સમગ્ર મકાન સળગાવી દીધું

પીડિત પરિવારે લગાવેલા ગંભીર આક્ષેપ મુજબ, યુવતીને પોતાના સમક્ષ હાજર ન કરવામાં આવતા આ લોકો ભારે ઉશ્કેરાઈ ગયા હતા. ટોળામાં ધારીયા અને તલવાર સાથે આવેલા શખ્સોએ મકાન પર હુમલો કરી છતના નળિયા તોડી નાખ્યા હતા અને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. આટલું જ નહીં, આ લોકોએ પેટ્રોલ અને ડીઝલ છાંટીને યુવકનું સમગ્ર મકાન સળગાવી દીધું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ આગચંપીની ઘટનામાં મકાનને વ્યાપક નુકસાન થયું હતું.

વીસ લોકો વિરુદ્ધ વિધિવત ફરિયાદ 

ગઈ કાલે રાત્રિના સમયે બનેલી આ સનસનાટીભરી ઘટના બાદ ભોગ બનનાર પરિવારે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સમગ્ર મામલાને લઈને પરિવારે વિંછીયા પોલીસ મથકમાં મકાન સળગાવનારા અને તોડફોડ કરનારા વીસ લોકો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે.

દસ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત 

પરિવારે આપેલી ફરિયાદના આધારે વિંછીયા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે દસ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી લીધી છે. હાલ વિંછીયા પોલીસ દ્વારા ઝડપાયેલા તમામ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને ફરાર અન્ય આરોપીઓને પકડવા તેમજ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક વધુ તપાસ તેજ કરવામાં આવી છે. 


આ પણ વાંચો :    Mumbai: ભવિષ્યમાં કોઈ વિરોધ પ્રદર્શનમાં નહીં જોડાઉ, ઇમરાન ખાનની કોર્ટમાં ખાતરી