સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસકર્મીના નિવાસસ્થાનેથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. આ સમગ્ર ચકચારી કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેન્જ ડીઆઈજી (DIG) દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે અને આ મામલાની નિષ્પક્ષ તપાસ રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવાના સત્તાવાર આદેશો જારી કરવામાં આવ્યા છે.

જેતપુર PI ડી. પરમાર તપાસ કરશે

રાજકોટ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવેલી આ મહત્વની તપાસ અંતર્ગત જેતપુર પોલીસ સ્ટેશનના પીઆઈ (PI) ડી. પરમાર આ કેસના તપાસ અધિકારી રહેશે. આ સમગ્ર તપાસ પ્રક્રિયા આઈપીએસ (IPS) અધિકારી અને એએસપી (ASP) સિમરન ભારદ્વાજના સીધા સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવશે, જેથી તપાસમાં પારદર્શિતા જળવાઈ રહે.

ફરાર પોલીસકર્મી સંજયસિંહની સઘન શોધખોળ શરૂ

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવ્યા બાદથી જ વિવાદના ઘેરામાં આવેલા અને ફરાર થઈ ગયેલા પોલીસકર્મી સંજયસિંહને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસકર્મી જ આ પ્રકારે કાયદા વિરુદ્ધના ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલા હોવાથી વિભાગીય સ્તરે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો : Suratના કરોડોના કાપડ કૌભાંડનો પર્દાફાશ, રૂ. 4.53 કરોડની છેતરપિંડીનો મુખ્ય આરોપી ઝડપાયો