સુરેન્દ્રનગર શહેરના મેડિકલ કોલેજ પાછળના વિસ્તારમાં થોડા સમય પહેલા હાર્દિક સાંથલપરા નામના યુવકની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી હત્યા કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં વધુ એક મુખ્ય આરોપી સચિનની પોલીસે ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તેને ઘટના સ્થળે લઈ જઈ કાયદાનું કડક ભાન કરાવવામાં આવ્યું હતું.
પ્રેમ લગ્ન કરી આવેલા દંપતીને આશરો આપ્યાની શંકામાં હત્યા
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક હાર્દિક સાંથલપરા દ્વારા પ્રેમ લગ્ન કરીને સુરેન્દ્રનગર આવેલા એક દંપતીને આશરો આપવામાં આવ્યો હોવાની શંકા રાખવામાં આવી હતી. આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બોલાચાલી અને મનદુઃખ ચાલી રહ્યું હતું. આ અદાવત રાખીને આરોપીઓ દ્વારા હાર્દિક સાંથલપરાને સમાધાનના બહાને બોલાવવામાં આવ્યો હતો, અને ત્યારબાદ તેની ઉપર જીવલેણ હુમલો કરી સાથળના ભાગે છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા, જેના કારણે તેનું કરૂણ મોત નીપજ્યું હતું.

