સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજ ચોરી સામે જિલ્લા પોલીસ દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ લીંબડી પોલીસ દ્વારા ખનન માફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. તાજેતરમાં લીંબડી તાલુકાના શિયાણી ગામની ખારી સીમમાં બેફામપણે ધમધમતી ગેરકાયદે રેતી ખનન અને વોશિંગની પ્રવૃત્તિનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
PI જી. બી. પરમારની આગેવાનીમાં મેગા રેડ
લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર જી. બી. પરમારની આગેવાની અને માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા શિયાણી ગામની ખારી સીમ વિસ્તારમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓચિંતી રેડ દરમિયાન નદી કે અન્ય સ્ત્રોતોમાંથી ગેરકાયદે રેતી ચોરી કરીને વોશિંગ કરવાનો ધમધમતો પ્લાન્ટ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તંત્રની આ અચાનક કાર્યવાહીથી ગેરકાયદે ખનન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

ડમ્પર, લોડર અને જનરેટર સહિત 15 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસની આ કાર્યવાહીમાં સ્થળ પરથી ગેરકાયદે ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો તથા સાધન સામગ્રી કબજે કરવામાં આવી છે. જેમાં ડમ્પર, લોડર તેમજ જનરેટર મશીન સહિત રેતી અને અન્ય ખનિજ જથ્થો મળી કુલ અંદાજે રૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ રેડ દરમિયાન ખાણ-ખનિજ વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સંયુક્ત તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

ખનન માફિયાઓમાં મચ્યો ભારે ખળભળાટ
પોલીસ અને ખાણ-ખનિજ વિભાગની આ સંયુક્ત અને કડક કાર્યવાહીના કારણે પંથકના ખનન માફિયાઓમાં ભારે નાસભાગ અને ખળભળાટ મચી ગયો છે. તંત્ર દ્વારા આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ કડક પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે, જેથી આ રેકેટ પાછળ સંડોવાયેલા મોટા માથાઓનો પણ પર્દાફાશ થઈ શકે.
આ પણ વાંચો: Surendranagar News: સાયલા અને થાનમાં 30 કુવા ઝડપાયા, 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત!