સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, મુળી અને થાન તાલુકાના વિસ્તારોમાં કિંમતી કાર્બોસેલ ખનિજના ગેરકાયદે ખોદકામ અને બેફામ ચાલતા કરોડો રૂપિયાના વેપલાને ડામવા માટે તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાની કડક સૂચનાઓ અન્વયે લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ બંને ડિવિઝનના પોલીસ મથકો અને ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા એક મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેનાથી ખનીજ માફીયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
30 ગેરકાયદે કોલસાના કુવાઓ અને કરોડોનું કારસ્તાન પકડાયું
તંત્ર દ્વારા સાયલાના ચિત્રાલાખ તેમજ થાનગઢના રાવરાણીની સીમમાં અચાનક ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. આ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન સ્થળ પરથી કાર્બોસેલ કાઢવાના 30 જેટલા ગેરકાયદે અને ચાલુ હાલતના કુવાઓ મળી આવ્યા હતા. તંત્રના અચાનક દરોડા પડતા જ ગેરકાયદે ખનન અને વહન કરતા તત્વોમાં નાસભાગ મચી ગઈ હતી.

60 લાખથી વધુનો મુદ્દામાલ અને વિસ્ફોટક જથ્થો જપ્ત
આ મેગા ઓપરેશન દરમિયાન પોલીસે 16 ટ્રેક્ટરો, 30 ચરખીઓ, પાઈપો, બકેટ તેમજ 100 મેટ્રિક ટન ખનિજનો જથ્થો કબ્જે કર્યો હતો. આશ્ચર્યજનક બાબત તો એ છે કે, ચિત્રાલાખ વિસ્તારમાં કુવાઓ પાસેથી 131 નંગ જિલેટીન સ્ટીક અને 39 ડિટોનેટર જેવા જોખમી વિસ્ફોટક (એક્સપ્લોસિવ) પદાર્થો પણ મળી આવ્યા હતા. આ ગંભીર બાબતને લઈને સાયલા પોલીસ દ્વારા એક્સપ્લોસિવ એક્ટ હેઠળ બે શખ્સો સામે ગુના નોંધવામાં આવ્યા છે.

રાજકીય ગોડફાધરોની ચર્ચા અને આગળની કયાતવ્રાહી
સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગના સર્વેયરો દ્વારા સ્થળ પર ખોદકામ અને જથ્થાની માપણીની કામગીરી ચાલુ છે, જેનાથી આગામી સમયમાં કરોડોની ખનીજ ચોરી બહાર આવવાની પ્રબળ સંભાવના છે. પકડાયેલા ટ્રેક્ટરો થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે અને ચરખીઓ ખાણ-ખનીજ કચેરી ખાતે સીઝ કરવામાં આવી છે. આ રેડ બાદ ખનીજ માફીયાઓ અને કૌભાંડમાં સંડોવાયેલા મોટા માથાઓ દ્વારા પોતાના રાજકીય ગોડફાધરોનું શરણું લેવાયાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે.
આ પણ વાંચો: Surendranagar News: ગેરકાયદે ઇંધણની હેરાફેરી પર પોલીસનો સપાટો, શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપાયું