સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં સ્થાનિક પોલીસની શંકાસ્પદ ભૂમિકા અને નબળી કામગીરી સામે મોટા સવાલો ઊભા કરતી એક ઘટના સામે આવી છે.ચુડા તાલુકાના વેજલકા ગામની સીમમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ પર લીંબડી ડીવાયએસપીની ટીમે સરપ્રાઈઝ દરોડો પાડીને મોટું દારૂનું દૂષણ ઝડપી પાડ્યું છે.

1 હજાર લીટર જેટલો આથો મળી આવ્યો 

મળતી વિગતો અનુસાર,વેજલકા ગામની સીમમાં મોટા પાયે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ધમધમી રહી હોવાની સચોટ અને ગુપ્ત માહિતી લીંબડી DySPને મળી હતી. આ બાતમીના આધારે DySPની ખાસ ટીમે ચુડા પોલીસને અંધારામાં રાખીને વેજલકા ગામની સીમમાં અચાનક દરોડો પાડ્યો હતો.DySPની ટીમની આ બિન-અપેક્ષિત અને કડક કાર્યવાહીથી દારૂ બનાવતા અસામાજિક તત્વોમાં ભારે ભાગદોડ અને ચકચાર મચી ગઈ હતી.પોલીસના આ દરોડા દરમિયાન સ્થળ પરથી આશરે 150 લીટર જેટલો તૈયાર દેશી દારૂનો જથ્થો તેમજ દારૂ બનાવવા માટે રાખવામાં આવેલો અંદાજે 1 હજાર લીટર જેટલો આથો મળી આવ્યો હતો.

આથાનો જથ્થો કબજે કરી ભઠ્ઠીનો નાશ કર્યો 

પોલીસે ઘટનાસ્થળેથી તમામ તૈયાર દારૂ અને આથાનો જથ્થો કબજે કરી ભઠ્ઠીનો નાશ કર્યો હતો અને સમગ્ર મામલે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.સ્થાનિક ચુડા પોલીસ સ્ટેશનની નાક નીચે જ વેજલકાની સીમમાં આટલા મોટા પાયે દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવા છતાં સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં ઝડપાતા અનેક તર્ક-વિતર્કો વહેતા થયા છે.ઉચ્ચ અધિકારીઓની ટીમે આવીને આ સફળ કામગીરી પાર પાડતા જ ચુડા પોલીસની કામગીરી તેમજ હપ્તાખોરી કે બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચોઃ Junagadh: પ્લાસ્વામાં ગેરકાયદેસર સિંહ દર્શનનું કૌભાંડ ખુલ્લું પડ્યું, વન વિભાગની ટીમે દરોડો પાડી સાત યુવાનોને ઝડપી લીધા