સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં નશાના ગેરકાયદે કારોબાર સામે જિલ્લા પોલીસ દ્વારા સકંજો વધુ કડક કરવામાં આવ્યો છે. સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અગાઉ પણ નશાના વાવેતરના કિસ્સા સામે આવી ચૂક્યા છે, ત્યારે તાજેતરમાં સુરેન્દ્રનગર SOG અને સ્થાનિક ધજાળા પોલીસની ટીમે બાતમીના આધારે એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળો પર તૂટી પડીને મોટો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીથી નશાની ખેતી કરતા તત્વોમાં ભારે હડકંપ મચી ગયો છે.

સોખડા ગામની વાડીમાંથી લાખોની કિંમતનો મુદ્દામાલ કબ્જે

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજીની ટીમ દ્વારા સાયલા તાલુકાના સોખડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન વાડીમાંથી ગેરકાયદે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના બે છોડ મળી આવ્યા હતા.

પોલીસે આ કાર્યવાહીમાં 4 કિલો 370 ગ્રામ વજનનો લીલો ગાંજો જપ્ત કર્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા 218500 આંકવામાં આવી છે. આ મામલે પોલીસે વાડીમાં નશાનું વાવેતર કરનારા આરોપી દાના દેવાભાઈ શેખ વિરુદ્ધ નાર્કોટિક્સ (NDPS) એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surendranagar News Drug cultivation caught again in Sayla Green ganja caught in sokhda navagam villages

નવાગામ (બા) ખાતે રહેણાંક મકાનમાંથી પકડાયું નશાનું વાવેતર

સોખડા બાદ ધજાળા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વધુ એક મોટી સફળતા મેળવવામાં આવી હતી. નવાગામ (બા) ગામના એક રહેણાંક મકાનમાં બાતમીના આધારે રેડ કરવામાં આવતા ઘરના ફળિયામાં જ લીલા ગાંજાનું વાવેતર કરાયું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 6 કિલો 150 ગ્રામ વજનના 4 ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેની અંદાજિત કિંમત રૂપિયા 307500 થવા જાય છે. પોલીસે આ પ્રકરણે આરોપી રાજારામ બચુરામ બરોલિયા સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

બંને દરોડામાં કુલ 10 કિલો 520 ગ્રામ ગાંજો જપ્ત

એક જ દિવસમાં સુરેન્દ્રનગર SOG અને ધજાળા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ બે અલગ-અલગ કાર્યવાહીમાં કુલ 10 કિલો 520 ગ્રામ લીલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત રૂપિયા 5.26 લાખ થાય છે. અગાઉ પણ સાયલા પંથકમાંથી નશાના વાવેતરના કિસ્સાઓ ઝડપાયા હોવા છતાં આ દૂષણ સંપૂર્ણપણે ડામી દેવા માટે પોલીસ દ્વારા હવે વધુ સઘન તપાસ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.


આ પણ વાંચો: Surendranagar News: ખનિજ માફિયા પર તવાઈ યથાવત! થાનગઢમાં 350 મેટ્રિક ટન કોલસો અને વાહનો કબ્જે કરાયા