સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ખનીજ ચોરો સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. થાનગઢ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે જામવાળી ગામની સીમમાં અચાનક દરોડો પાડીને ગેરકાયદેસર રીતે ધમધમતા કાર્બોસેલ કોલસાના ખનનનો મોટો પર્દાફાશ કર્યો છે. આ દરોડાને કારણે ખનન કરતા માફિયાઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.

350 મેટ્રિક ટન કોલસો અને વાહનો સહિત રૂ. 48.75 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ સઘન તપાસ દરમિયાન સ્થળ પરથી મોટા પ્રમાણમાં ગેરકાયદે સામગ્રી મળી આવી હતી. પોલીસની ટીમે સ્થળ પરથી 350 મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો, બે ટ્રેક્ટર, એક ડમ્પર અને 13 લોખંડના પાઇપ સહિત કુલ રૂ. 48,75,000નો કિંમતી મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનીજ ચોરી સામેની આ અત્યાર સુધીની મોટી કાર્યવાહીઓમાંની એક ગણવામાં આવી રહી છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પડી સફળ કામગીરી

રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક (SP) પ્રેમસુખ ડેલુની ખાસ સૂચના તથા ચોટીલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એસ. એસ. ભદોરિયાના સીધા માર્ગદર્શન હેઠળ આ રેડ સફળ રહી હતી. થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર વી. યુ. ગડરિયા, પીએસઆઈ એમ. ટી. ગઢવી તેમજ પોલીસ સ્ટાફે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.

Surendranagar Thangadh Illegal Coal Mining Raided, Goods Worth 48.75 Lakhs Seized

ખાણ-ખનીજ વિભાગને સોંપાઈ આગળની તપાસ

આ ગેરકાયદે ખનન પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય શખ્સોની માહિતી મેળવવા અને કાયદેસરની વધુ કાર્યવાહી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ-ખનીજ વિભાગને સત્તાવાર રીતે જાણ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં આ મામલે વધુ કડક પગલાં લેવામાં આવશે, તેવા સંકેતો આપવામાં આવ્યા છે.


આ પણ વાંચો: Surendranagarના મૂળીમાં ખનીજ ચોરીનો પર્દાફાશ: આસુન્દ્રાળી અને ધોળીયામાં 22 ગેરકાયદે કૂવા ઝડપાયા!