સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામેથી ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો એક નકલી MBBS ડોક્ટર ઝડપાઈ ગયો છે. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસે ચોક્કસ બાતમીના આધારે જેસડા ગામે રેડ પાડીને મૂળ ઉત્તરાખંડના અને હાલ ત્યાં રહેતા રવીન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોય નામના બોગસ ડોક્ટરની અટકાયત કરી છે. કોઈ પણ કાયદેસરની મેડિકલ ડિગ્રી વગર આ શખ્સ લાંબા સમયથી દવાખાનું ખોલીને ગ્રામજનોની સારવાર કરી રહ્યો હતો.

રૂ. 42 હજારની એલોપેથિક દવાનો જથ્થો જપ્ત

દરોડા દરમિયાન SOG પોલીસની ટીમે સ્થળ પરથી આશરે રૂપિયા 42 હજારની કિંમતનો એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ નકલી ડોક્ટર અગાઉ પણ ગેરકાયદે પ્રેક્ટિસ કરવા બદલ SOG પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. જેલમાંથી કે જામીન પર છૂટ્યા બાદ તે ફરીથી એ જ સ્થળે ક્લિનિક શરૂ કરી દેતો હતો.

જેલમાંથી છૂટીને ફરી ધમધમતું દવાખાનું

વારંવાર પોલીસ કાર્યવાહી થવા છતાં આ નકલી ડોક્ટર કાયદાનો ડર રાખ્યા વિના જેસડા ગામે જ ફરીથી ગેરકાયદે પ્રેક્ટિસ શરૂ કરી દેતો હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કૌભાંડી શખ્સ સામે એવી આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી તે ભવિષ્યમાં ફરી ક્યારેય આ જ ગામમાં કે અન્ય ક્યાંય પણ લોકોના જીવ સાથે રમત ન રમી શકે તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

આ પણ વાંચો : Surendranagarમાં તરણેતર મેળાની તડામાર તૈયારીઓ, 14થી 17 સપ્ટેમ્બર સુધી યોજાશે વિશ્વવિખ્યાત લોકમેળો