સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક ત્રિનેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો ઐતિહાસિક લોકમેળો આગામી 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ધામધૂમથી યોજાશે. રંગબેરંગી છત્રીઓ, ભાતીગળ લોકસંસ્કૃતિ અને ગ્રામીણ પરંપરા માટે દેશ-વિદેશમાં જાણીતા આ મેળો યોજવા માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં લાખોની સંખ્યામાં માનવમેહરામણ ઉમટી પડે તેવી શક્યતા છે.

આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

તરણેતરના આ ભવ્ય લોકમેળાના સુચારુ અને સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે મેળામાં આવતા દેશ-વિદેશના સહેલાણીઓની સુરક્ષા અને સુવિધા માટે તંત્રને પૂર્વતૈયારીઓ ઝડપથી આખરી ઓપ આપવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

સુરક્ષા, સફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અધિકારીઓને કડક સૂચનાઓ

સમીક્ષા બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સહેલાણીઓ માટે પીવાના પાણી, વિજળી, આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ સહેલાઈથી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા. આ ઉપરાંત મેળા પરિસરમાં સુદ્રઢ કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા જાળવણી અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Sabarkantha News : હવામાન વિભાગની આગાહી વચ્ચે વડાલીમાં મેઘમહેર, ભારે પવન સાથે મુશળધાર વરસાદ