સાબરકાંઠા જિલ્લાના વડાલી પંથકમાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. વડાલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. આ ધોધમાર વરસાદને કારણે વડાલી શહેરના મુખ્ય રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર થયો છે.
સિઝનના ઓછા વરસાદ વચ્ચે વડાલી પંથકમાં મેઘ મહેર
ચાલુ સિઝન દરમિયાન વડાલી પંથકમાં અન્ય વિસ્તારોની તુલનાએ નોંધપાત્ર રીતે ઓછો વરસાદ નોંધાયો હતો. જેને કારણે ખેડૂતો અને સ્થાનિક નાગરિકો લાંબા સમયથી સારા વરસાદની ચાતકડોળે રાહ જોઈ રહ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ચોક્કસ આગાહી મુજબ જ અચાનક શરુ થયેલા આ મુશળધાર વરસાદથી પંથકના વાતાવરણમાં ભારે ઉત્સાહ અને ઠંડક પ્રસરી ગઈ છે.
