પોરબંદર જિલ્લામાં અવિરતપણે ચાલતા ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે. તંત્રને ચોક્કસ બાતમી મળતાં જ ખાણ ખનીજ વિભાગની ટીમે પોરબંદરના પાતા અને ગોરસર ગામે અચાનક દરોડા પાડ્યા હતા. વિભાગના આ અણધારી સરપ્રાઈઝ ચેકિંગથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ભૂમાફિયાઓ અને સંચાલકોમાં ભારે નાસભાગ અને ફફડાટ મચી ગયો હતો.
પાતા અને ગોરસર ગામેથી 18 મશીનરી જપ્ત
આ સઘન દરોડા દરમિયાન પાતા ગામમાંથી ખનન માટે વપરાતા 3 ટ્રેક્ટર અને 6 ચકડી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોરસર ગામેથી પણ વધુ 9 ચકડી મશીનો ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ, બંને સ્થળોએથી કુલ મળીને 18 ગેરકાયદેસર મશીનરીઓ અને વાહનો કબ્જે કરવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા આ તમામ સાધનો અને મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 20 લાખ જેટલી આંકવામાં આવી છે.
