સુરેન્દ્રનગરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક બીભત્સ વીડિયો મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 મહિલા સહિત કુલ 9 શખ્સો સામે ગેંગરેપ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા તમામ 9 આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ફરિયાદી અને સાહેદને માર માર્યાનો આરોપ

પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી અને સાહેદને દુધરેજ ખાતે લઈ જઈ લાકડાના ધોકા અને ઢીકાપાટુથી માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ સાહેદને દોરડા વડે બાવળના ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં ફરિયાદીની મરજી વિરુદ્ધ અમાનવીય અને બીભત્સ કૃત્ય આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ છે.

મોબાઈલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

પોલીસ ફરિયાદમાં વધુ આક્ષેપ કરવામાં આવ્યો છે કે સમગ્ર ઘટનાનો મોબાઈલ ફોનમાં વીડિયો બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસના ધ્યાને આવ્યો હતો અને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

2 મહિલા સહિત 9 શખ્સોની અટકાયત

સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસે આ કેસમાં 2 મહિલા સહિત કુલ 9 શખ્સોની અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ હવે વાયરલ વીડિયો, ઘટનાસ્થળ, આરોપીઓની ભૂમિકા અને સમગ્ર ઘટનાના કારણ સહિતના વિવિધ પાસાંની તપાસ કરી રહી છે.

આરોપીઓની ઓળખ સામે આવી

પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓમાં પોપટભાઈ લાખાભાઈ સરવૈયા, રમેશભાઈ મનુભાઈ સરવૈયા, જયંતીભાઈ પેથાભાઈ સરવૈયા, ભરતભાઈ ખાટાભાઈ સરવૈયા અને જીતુભાઈ ધીરૂભાઈ સરવૈયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પપ્પુભાઈ બકાભાઈ પરમાર, કલાભાઈ કેશુભાઈ સરવૈયા, ગીતાબેન જયંતીભાઈ સરવૈયા અને લીલાબેન ખાટાભાઈ સરવૈયાની પણ અટકાયત કરવામાં આવી છે. તમામ દુધરેજ, સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.

વીડિયો વાયરલ કરનાર સામે પણ તપાસ

આ સમગ્ર કેસમાં હવે પોલીસ દ્વારા વીડિયો કોણે બનાવ્યો, તેને સોશિયલ મીડિયામાં કોણે વાયરલ કર્યો અને ઘટનામાં દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા શું હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ દરમિયાન સામે આવતી વિગતોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


આ પણ વાંચો  :   Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો