વાવ-થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે હેરાફેરી સામે થરાદ પોલીસે લાલ આંખ કરી છે. વાંતાડા ભારતમાલા ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસની આ ત્વરિત અને સાવચેત કાર્યવાહીને કારણે અસામાજિક તત્વોમાં ભારે ફાળ પડી છે.
પ્લાસ્ટિકની થેલીઓની આડમાં છુપાવ્યો હતો દારૂ
બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કસબ અજમાવવામાં આવતા હોય છે, ત્યારે આ કિસ્સામાં પણ એક બંધ બોડીની ટ્રકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રકમાં પ્લાસ્ટિકની ખાલી થેલીઓની આડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. જોકે, થરાદ પોલીસની તીક્ષ્ણ નજર સામે બૂટલેગરોનો આ કસબ નાકામ નીવડ્યો હતો અને તપાસ દરમિયાન કુલ 832 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 27,02,289 આંકવામાં આવી છે.

કુલ રૂ. 37.79 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ઘટના સ્થળેથી માત્ર દારૂ જ નહીં પરંતુ ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી પણ જપ્ત કરી છે. જેમાં રૂ. 10,00,000 ની કિંમતની બંધ બોડીની ટ્રક, વાહનચાલકનો મોબાઇલ ફોન તેમજ દારૂ છુપાવવા માટે વપરાયેલી ખાલી પ્લાસ્ટિકની થેલીઓ સામેલ છે. આમ, થરાદ પોલીસે કુલ રૂ. 37,79,289 નો મુદ્દામાલ પોતાના કબજામાં લીધો છે.
હરિયાણાનો ટ્રક ડ્રાઇવર સ્થળ પરથી ઝડપાયો
આ ગેરકાયદે વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ચલાવી રહેલા ડ્રાઇવરની પોલીસે સ્થળ પર જ અટકાયત કરી લીધી છે. પકડાયેલા આરોપીની ઓળખ વિનોદ કુમાર અમીલાલ નાયક (રહે. ફતેહાબાદ, હરિયાણા) તરીકે થઈ છે. આરોપી અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આ દારૂનો જથ્થો ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

દારૂ મંગાવનાર અને ભરાવનાર સામે કાયદેસરની તપાસ શરૂ
થરાદ પોલીસે ઝડપાયેલા ટ્રક ડ્રાઇવર સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો કોણે ભરાવ્યો હતો અને ગુજરાતમાં તે કોને પહોંચાડવાનો હતો તે તમામ કડીઓ મેળવવા માટે પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં જોડાયેલા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે પણ વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો - Tharad News: ખેડૂતોની રજૂઆત બાદ સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડાયું