બનાસકાંઠાના વાવ-થરાદ પંથકમાં આવેલી સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવા મામલે ખેડૂતોમાં લાંબા સમયથી માગ ઉઠી રહી હતી. 25 ઓગસ્ટના રોજ લાખણી તાલુકાના વાસણા ગામે ખેડૂતોએ એકઠા થઈને ઢોલ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવી પાણી આપવાની ઉગ્ર માગણી કરી હતી. ખેડૂતોના આ અનોખા પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો.

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને વીડિયો કોલથી રજૂઆત

કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા મુદ્દે ખેડૂતોએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે વીડિયો કોલ મારફતે સીધી વાતચીત કરી હતી. ખેડૂતોની સમસ્યા અને પાક બચાવવાની તીવ્રતાને સમજીને શંકર ચૌધરીએ બીજા જ દિવસે કાચી કેનાલમાં પાણી શરૂ કરાવવાનું મક્કમ વચન આપ્યું હતું.

ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 3 પંપ શરૂ કરાયા

અધ્યક્ષના વચન મુજબ 26 ઓગસ્ટના રોજ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ચાંગા પમ્પિંગ સ્ટેશનથી 3 જેટલા મોટા પંપ શરૂ કરીને રામપુરા નજીક કેનાલમાં પમ્પિંગ મારફતે પાણી નાખવાનું શરૂ કરી દેવાયું છે. કેનાલમાં પાણી વહેતું થતાં ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે.

4 તાલુકાના ખેડૂતોને મળશે મોટો લાભ

સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડાતાં દિયોદર, રાહ, થરાદ અને લાખણી એમ 4 તાલુકાના હજારો ખેડૂતોને સીધો લાભ થશે. આ પાણી મળવાથી સિંચાઈના પ્રશ્નો હલ થશે, સીમ વિસ્તારના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે તેમજ ખેડૂતોના ઉભા પાકને સંજીવની મળશે.


આ પણ વાંચો - Vav-Tharad: લાખણીના વાસણા નજીક સુજલામ સુફલામ કેનાલમાં પાણી માટે ખેડૂતોનો ઢોલ વગાડી અનોખો વિરોધ