ભારતમાલા એક્સપ્રેસવે પર વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણી કરવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાનથી ગુજરાતના મોરબી તરફ આવી રહેલા એક ટ્રકચાલક પાસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર નજીક 'ચા-પાણી'ના નામે નાણાં માંગવામાં આવ્યા હતા. તંત્ર પાસેથી ન્યાય મેળવવાની આશાએ ટ્રકચાલકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેમેરાબદ્ધ કરી લીધો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો.

પોલીસ વડા દ્વારા જવાબદારો સામે કડક પગલા

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના ધ્યાને આવ્યો હતો. બનાસકાંઠા એસપી દ્વારા આ ગંભીર બાબતને ધ્યાને લઈને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને કથિત ઉઘરાણીમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે આકરા પગલાં ભરવામાં આવ્યા હતા. તંત્રની આ કડક કાર્યવાહીના પરિણામે ખાખી વર્ધીને દાગ લગાડનારા કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

એક પોલીસકર્મી સસ્પેન્ડ અને 3 GRD જવાનો નોકરીમાંથી બરતરફ

તપાસ બાદ એસપી દ્વારા તાત્કાલિક અસરથી અજેસી રૂપસી નામના પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત ચા-પાણીના નામે ટ્રકચાલક પાસેથી નાણાંની માંગણી કરનાર GRD જવાન ડુંગરસિંહ ચૌહાણ સહિત અન્ય 2 જવાનો નિતેશ સોલંકી અને હરેશ મણાવરને નોકરીમાંથી કાયમ માટે ડિસમિસ (બરતરફ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કુલ 1 પોલીસ કર્મચારી અને 3 GRD જવાનો સામે એકસાથે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે.

Tharad News: Bharatmala Expressway Extortion: 1 Cop Suspended, 3 GRD Dismissed

ટ્રકચાલકે થરાદ પોલીસ મથકે પહોંચી આભાર વ્યક્ત કર્યો

વીડિયો વાયરલ કરનાર હિંમતવાન ટ્રકચાલક પોતાના સાથીદારો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને સમગ્ર ઘટના અંગે વિગતો આપી હતી. જવાબદાર પોલીસકર્મી અને GRD જવાનો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવતા ટ્રકચાલકે પોલીસ વિભાગનો આભાર માન્યો હતો. આ કાર્યવાહીથી ભારતમાલા એક્સપ્રેસવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ રાહતની લાગણી જોવા મળી છે, જ્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.


આ પણ વાંચો: Tharad : પ્રેમ સંબંધમાં યુવકની હત્યામાં આરોપીઓને 4 દિ'નાં રિમાન્ડ મંજૂર