ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સિક્યોરિટી અને પેટ્રોલિંગના અભાવે સરકારી મિલકતો ચોરો માટે આસાન શિકાર બની રહી છે. તાજેતરમાં ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી પીજીવીસીએલની લાઈનો પર આવેલા 8 જેટલા હાઈ-વોલ્ટેજ ટ્રાન્સફોર્મર (ટીસી) માંથી ઓઈલ ચોરી થવાની મોટી ઘટના સામે આવતા સળસળાટ મચી ગયો છે. તસ્કરો કોઈ આધુનિક સાધનો કે ચાવીની મદદથી ટ્રાન્સફોર્મરના વાલ્વ ખોલીને અંદરથી કૂલિંગ અને ઇન્સ્યુલેશન માટે વપરાતું મોંઘુંદાટ 524 લીટર ઓઈલ ચોરીને પ્લાસ્ટિકના કેન કે બેરલમાં ભરીને રફુચક્કર થઈ ગયા છે.

સરકારી મિલકતો ચોરો માટે આસાન શિકાર

આ ચોરીની ઘટના ઉના તાલુકાના નાંદરખ, પાસવાળા, ઉમેજ અને પાણખાણ સહિતના સીમાડાના ગામોમાં બની છે. વાવણી અને ચોમાસાના ચાલુ દિવસોમાં ખેડૂતો જ્યારે રાત્રે ખેતરે જતા નથી, ત્યારે અવાવરૂ જગ્યાનો લાભ લઈને તસ્કરોએ આ કૃત્ય આચર્યું છે. સવારે જ્યારે વીજ પુરવઠો ખોરવાતા પીજીવીસીએલની ટીમ લાઈન ચેક કરવા ગઈ, ત્યારે ટ્રાન્સફોર્મર ખાલી હોવાનું અને નીચે ઓઈલ ઢોળાયેલું હોવાનું માલૂમ પડ્યું હતું.

વીજ કંપનીના નાયબ ઇજનેર મેદાને

આ ગંભીર સાર્વત્રિક ચોરી અંગે ધોકડવા પીજીવીસીએલ (PGVCL) કચેરીના નાયબ ઇજનેર દ્વારા તાત્કાલિક ઉના પોલીસ મથકે પહોંચીને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ સરકારી અસ્કયામતની ચોરી અને નુકસાન પહોંચાડવા બદલ સત્તાવાર એફઆઈઆર નોંધાવી છે. વીજ કંપનીના અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રાન્સફોર્મરમાં ઓઈલ ન હોવાને કારણે જો હાઈ પાવર સપ્લાય ચાલુ થઈ જાય તો લાખો રૂપિયાની કિંમતનું આખું ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ શકે છે, જેનાથી પીજીવીસીએલને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.

આ પણ વાંચો: Surat: વરાછામાં રૂ. 68.28 લાખની છેતરપિંડી આચરી છેલ્લા અઢી વર્ષથી ફરાર આરોપી સંદિપ નાયક ઝડપાયો