સુરતની શાન સમાન કાપડ બજારમાં દેશભરમાંથી વેપારીઓ વેપાર અર્થે આવે છે, પરંતુ કેટલાક ભેજાબાજો આ માર્કેટના શાખ અને વિશ્વાસના નિયમોનો ગેરલાભ ઉઠાવી વેપારીઓને લાખો-કરોડોનો ચૂનો લગાવતા હોય છે. આવો જ એક કિસ્સો વરાછા પોલીસ મથકમાં અઢી વર્ષ પહેલાં નોંધાયો હતો. વરાછાના ગ્લોબલ માર્કેટમાં કાપડનો મોટો વેપાર કરતા એક વેપારીનો સંપર્ક આરોપી સંદિપ નાયકે કર્યો હતો.
કાપડ બજારના વેપારીઓ સાથે છેતરપિંડી
આરોપી સંદિપ નાયકે કાપડ બજારના વેપારીઓ સાથે છેતરપિંડી કરવા માટે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું. તેણે ગ્લોબલ માર્કેટના ભોગ બનનાર કાપડ વેપારી પાસેથી શરૂઆતમાં થોડો-થોડો કાપડનો જથ્થો ખરીદવાનું શરૂ કર્યું હતું. આ માલનું પેમેન્ટ તે સમયસર અને રોકડેથી કે નિયત મુદતમાં ચૂકવી દેતો હતો, જેથી મૂળ વેપારીને આરોપી સંદિપ ઉપર પાકો વિશ્વાસ બેસી ગયો હતો કે આ આસામી બજારમાં પ્રમાણિક છે.
મોટો ઓર્ડર આપી રાતોરાત થયો ગાયબ
વેપારીનો આંધળો વિશ્વાસ સંપાદન કર્યા બાદ આરોપી સંદિપે પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. તેણે એકસાથે રૂપિયા 68.28 લાખની કિંમતનો મોટો કાપડનો જથ્થો ખરીદ્યો હતો. માલની ડિલિવરી મળી ગયા બાદ જ્યારે વેપારીએ નિયત સમયે પેમેન્ટની ઉઘરાણી કરી, ત્યારે આરોપી સંદિપે વાયદાઓ આપવાનું શરૂ કર્યું હતું. અંતે, વેપારીને પેમેન્ટ આપ્યા વિના આરોપી રાતોરાત પોતાનો આખો કારોબાર સમેટીને ફરાર થઈ ગયો હતો અને પોતાના તમામ સત્તાવાર મોબાઈલ નંબર પણ કાયમી ધોરણે બંધ કરી દીધા હતા.
વેપારી સાથે લાખોની છેતરપિંડી
પોતાની સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ ભોગ બનનાર કાપડ વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં સંદિપ નાયક વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુન્હો દાખલ કરાવ્યો હતો. ગુનો નોંધાયા બાદ આરોપી સતત પોતાના રહેઠાણો અને લોકેશન બદલીને છેલ્લા અઢી વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. વરાછા પોલીસની સર્વેલન્સ સ્કોડ અને પીઆઈની સૂચના હેઠળની ટીમે ટેકનિકલ સોર્સ અને ખબરીઓની મદદથી આરોપી સંદિપ નાયકને આખરે સુરતમાંથી જ ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ અને સેરવેલો મુદ્દામાલ ક્યાં સગેવગે કર્યો છે તે દિશામાં સઘન પૂછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ધરણીધર-નેહરુનગર ઓવરબ્રિજ સામાન્ય વરસાદમાં જ મસમોટા ગાબડા