મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ઉનાવા દરગાહ નજીક આવેલી કાયનાથ હોટલ પાસે નશા મુક્તિ અભિયાન ચલાવવા બાબતે ચાલતી તકરારમાં એક યુવક પર લોખંડની પાઇપ અને લાકડીઓ વડે પશુતાપૂર્વક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.
લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા
મળતી વિગતો અનુસાર,પીડિત યુવકના પિતા વિસ્તારમાં નશા નાબૂદી અને જાગૃતિ લાવવા માટે નશા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે.આ જ બાબતને લઈને અસામાજિક તત્વોમાં રોષ હતો.ઘટનાના દિવસે કાયનાથ હોટલ પાસે યુવકને આંતરીને હુમલાખોરોએ તકરાર શરૂ કરી હતી.હુમલાખોરોએ યુવકને ધમકી આપતા ઉદ્ધતાઈપૂર્વક કહ્યું હતું કે,તારા પિતાને કહી દે કે આ નશા બંધ કરવાનું કેમ્પેઈન અને અભિયાન તાત્કાલિક બંધ કરી દે નહિતર સારું નહીં થાય.બોલાચાલી ઉગ્ર બનતા જ ઉશ્કેરાયેલા હુમલાખોરોએ પોતાની પાસે રહેલી લોખંડની પાઇપો અને લાકડીઓ વડે યુવક પર તૂટી પડ્યા હતા.
