રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં તસ્કરોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે. ફોફળ ડેમ અને સારણ નદીના કાંઠેથી અજાણ્યા તસ્કરો ખેડૂતોના લાખો રૂપિયાના કિંમતી વાયરિંગ અને કેબલ કાપીને ફરાર થઈ ગયા છે. પોતાના ખર્ચે નાખેલા વાયરો રાતોરાત ગાયબ થઈ જતાં ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.

મોંઘા ભાવનું વાયરિંગ ગાયબ થતાં પાક સુકાવાની ભીતિ

ખેડૂતોએ ફોફળ નદી અને ડેમ વિસ્તારમાંથી પોતાના ખેતર સુધી સિંચાઈનું પાણી લાવવા માટે સ્વખર્ચે મોટર-પંપ સાથે કિંમતી કેબલનું જોડાણ કર્યું હતું. મોડી રાત્રે ચોર ટોળકી આ વાયરો ચોરી જતાં સિંચાઈની પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે. પાણી વગર ખેતરમાં ઊભેલો મોંઘો પાક સુકાઈ જવાની ભીતિ ઊભી થતાં ધરતીપુત્રો ભારે ચિંતામાં મુકાયા છે.

Rajkot News: Cable Theft Near Fofal Dam Leaves Farmers In Crisis in Jamkandorna

વારંવારની રજૂઆતો છતાં પોલીસ તંત્ર મૌન

સ્થાનિક ખેડૂતોનો ઉગ્ર આક્ષેપ છે કે જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ આવી ચોરીઓ અંગે લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, પોલીસ તંત્ર દ્વારા કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી કે પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસની ઢીલી નીતિના કારણે જ તસ્કરો બેફામ બનીને ચોરીઓને અંજામ આપી રહ્યા છે.

Rajkot News: Cable Theft Near Fofal Dam Leaves Farmers In Crisis in Jamkandorna

તાત્કાલિક રાત્રિ પેટ્રોલિંગ વધારી તસ્કરોને ઝડપી પાડવા માગ

અવારનવાર બનતા ચોરીના બનાવોથી કંટાળેલા સ્થાનિક ખેડૂતોએ હવે આરપારની લડાઈના મૂડમાં આવી તંત્ર સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોએ ઉગ્ર માંગ કરી છે કે પોલીસ વિભાગ દ્વારા રાત્રિના સમયે ફોફળ ડેમ અને આસપાસના સીમ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે. સાથે જ, કેબલ ચોરી કરતી ટોળકીને વહેલી તકે ઝડપી પાડી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.


આ પણ વાંચો - Rajkot News : રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે મંદિરમાં દર્શનની ના પાડતાં વિવાદ, લોહાણા સમાજની વિરોધ રેલી