મહેસાણાના વડનગરમાં રક્ષાબંધનના પવિત્ર દિવસે જ પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં યુવતીના સગા ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને રાખડી બાંધવાના બહાને બહેનને વડનગર બોલાવી હતી. ત્યારબાદ 3 અજાણ્યા શખ્સો સાથે મળીને નંબર પ્લેટ વગરની કારમાં યુવતીને બળજબરીપૂર્વક બેસાડી લઈ જવામાં આવી હોવાનો આક્ષેપ છે.
7 મહિના પહેલા કર્યા હતા પ્રેમલગ્ન
વડનગરના મલેકપુર ગામની વૈદેહી પટેલે આશરે 7 મહિના પહેલા છાબલીયા સીમ વખારપુરાના સચીનકુમાર ભરતજી ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને સાથે રહેતા હતા. રક્ષાબંધનના દિવસે વૈદેહીના ભાઈ જેનિલ પટેલે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને રાખડી બાંધવા માટે વડનગર આવવા કહ્યું હતું.
પતિ અને ભત્રીજી સાથે વડનગર પહોંચી
ભાઈનો મેસેજ મળ્યા બાદ વૈદેહી પોતાના પતિ સચીનકુમાર અને નાની ભત્રીજી સાથે એક્ટિવા પર વડનગર પહોંચી હતી. જોકે, ત્યાં પહોંચ્યા બાદ સમગ્ર ઘટનાએ ગંભીર વળાંક લીધો હતો.
3 શખ્સો સાથે આવી બહેનને કારમાં બેસાડી
આક્ષેપ મુજબ, વૈદેહીનો ભાઈ જેનિલ પટેલ 3 અજાણ્યા શખ્સો સાથે ત્યાં આવ્યો હતો. તેઓ નંબર પ્લેટ વગરની અર્ટિગા કારમાં આવ્યા હતા. ત્યારબાદ વૈદેહીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પતિએ નોંધાવી પોલીસ ફરિયાદ
ઘટના બાદ વૈદેહીના પતિ સચીનકુમાર ઠાકોરે પોતાના સાળા જેનિલ પટેલ સહિત 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ વડનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પ્રેમલગ્ન બાદ સંબંધોમાં વિવાદ?
રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારે જ બહેનને રાખડી બાંધવાના બહાને બોલાવી અપહરણ કરાયાના આક્ષેપથી સમગ્ર મામલો ચકચારભર્યો બન્યો છે. યુવતીના પ્રેમલગ્ન બાદ પરિવાર સાથે કોઈ વિવાદ હતો કે કેમ અને અપહરણ પાછળનું ચોક્કસ કારણ શું છે તે અંગે પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી શકે છે.
આ પણ વાંચો : Sandesh Digital Explainer : તહેવારો પહેલાં ખાંડ બની કડવી..! 40% સુધીના ભાવવધારા પાછળ શું છે મહત્વના કારણ?