વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી સનસનાટીભરી ઘટના સામે આવી છે. સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાં આવેલી નિરમા કેનાલ પાસે એક યુવકે પોતાની જાત પર ફાયરિંગ કરીને આત્મહત્યા કરવાનો ભયાનક પ્રયાસ કર્યો છે. ઘટનાની ગંભીરતાને જોતાં જ મંજુસર પોલીસ સહિત લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ નો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

રણજીત ચૌધરીએ પોતાની જાતને જ ગોળી મારી

મળતી વિગતો અનુસાર, મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલ સાવલીના મંજુસરમાં રહેતો રણજીત ચૌધરી નામનો યુવક નિરમા કેનાલ પર પહોંચ્યો હતો. ત્યાં તેણે અગમ્ય કારણોસર પોતાની પાસે રહેલા એક ખાનગી હથિયાર વડે પોતાની જાતને જ ગોળી મારી દીધી હતી. 

રિવોલ્વરને કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધી

આ ચોંકાવનારા પગલા બાદ લોહીલુહાણ હાલતમાં યુવકે ગુનામાં વપરાયેલી રિવોલ્વરને કેનાલના વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને પોતે રસ્તા પર ઢળી પડ્યો હતો. રસ્તા પર તડપતી હાલતમાં પડેલા આ યુવક પર પોલીસની નજર પડતા જ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

યુવકે ગૃહક્લેશથી કંટાળીને પગલું ભર્યું હોવાની આશંકા

પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવેલા અહેવાલો મુજબ, યુવકે ગૃહક્લેશ અને કૌટુંબિક વિવાદથી કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ લોહીથી લથપથ ઇજાગ્રસ્ત રણજીતને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનામાં વપરાયેલું હથિયાર ગેરકાયદેસર છે કે પરવાનાવાળું, તે જાણવા માટે પોલીસે કેનાલમાં રિવોલ્વર શોધવાની કવાયત હાથ ધરી છે અને ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.  


આ પણ વાંચો   :  Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!