દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ખેડૂતો માટે આવશ્યક એવા DAP ખાતરની ગેરરીતિ અને કાળાબજારી સામે જિલ્લા તંત્રે લાલઆંખ કરી મોટી કાર્યવાહી હાથ ધરી છે.દેવગઢ બારિયાના મેન્દરા ગામે આવેલા એક ખાનગી ગોડાઉન પર જિલ્લા કક્ષાના અધિકારીઓની ટીમે સરપ્રાઈઝ રેડ પાડીને સહકારી મંડળીના ખાતરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
ખાતરની કુલ 400 જેટલી થેલીઓ મળી આવી
મળતી વિગતો અનુસાર, સહકારી મંડળી સાથે સંકળાયેલા ઈસ્માઈલ બાજી નામના વ્યક્તિ દ્વારા દેવગઢ બારિયા સહકારી મંડળીનો DAP ખાતરનો મોટો જથ્થો બારોબાર અન્ય એક શંકાસ્પદ ખાનગી ગોડાઉનમાં ખસેડવામાં આવ્યો હોવાની ગુપ્ત બાતમી જિલ્લા તંત્રને મળી હતી.બાતમીના આધારે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓની ટીમે તાત્કાલિક મેન્દરા ગામે આવેલા સ્થળ પર દરોડો પાડ્યો હતો.અધિકારીઓની ટીમે સ્થળ પર તપાસ હાથ ધરતાં ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી DAP ખાતરની કુલ 400 જેટલી થેલીઓ મળી આવી હતી.
