દાહોદમાં જેકોટ અને મંગલમહુડી વચ્ચે ડાઉન લાઇન પર દાહોદ તરફ જઈ રહેલી માલગાડીનો એક ડબ્બો અચાનક પાટા પરથી ઉતરી ગયો હતો. બનાવને પગલે રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી હતી. રેલવેની ઇમરજન્સી ટીમ અને ટેકનિકલ નિષ્ણાતો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

રેલવે ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી

મળતી માહિતી અનુસાર, જેકોટ અને મંગલમહુડી વચ્ચે ડાઉન લાઇન પર દાહોદ તરફ ગતિ કરી રહેલી માલગાડીનો એક ડબ્બો પાટા પરથી નીચે ઉતરી ગયો હતો. બનાવની જાણ થતાં જ રેલવેની ઇમરજન્સી ટીમ અને ટેકનિકલ નિષ્ણાતોનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ટ્રેન વ્યવહાર પર આંશિક અસર

માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરતાં રેલવેની આવન-જાવન પર આંશિક અસર પડી હતી. સુરક્ષાના ભાગરૂપે કેટલીક ટ્રેનો અને માલગાડીઓને યોગ્ય સલામતી અંતરે રોકી દેવામાં આવી હતી. ડાઉન ટ્રેક પર આવતી ટ્રેનો પણ પ્રભાવિત થઈ હતી.

પશ્ચિમ એક્સપ્રેસને લીમખેડા રોકવામાં આવી

આ ઘટનાને પગલે પશ્ચિમ એક્સપ્રેસને લીમખેડા ખાતે રોકી દેવાની ફરજ પડી હતી. રેલવે તંત્ર દ્વારા ટ્રેન વ્યવહારને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓ સ્થિતિ પર નજર 

ઘટના બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ડબ્બાને પાટા પર લાવવા અને ટ્રેન વ્યવહાર પૂર્વવત્ કરવા માટે રેલવે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. 


આ પણ વાંચો :    Rajkot: હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી કેસમાં 40 કલાક બાદ પણ તપાસના નામે મીંડું, વગદારોને બચાવવાના આક્ષેપ