રાજકોટમાં ચકચાર જગાવનારા હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી કેસમાં 40 કલાક વીત્યા છતાં તપાસના નામે મીંડું હોવાના આક્ષેપ થયા છે. તાલુકા પોલીસ સ્ટેશનથી માત્ર 850 મીટરમાં ચાલતી મહેફિલમાં દારૂ મંગાવનાર સુધી પોલીસ પહોંચી નથી. સમગ્ર પ્રકરણમાં મોટામાથાઓને બચાવવા માટે પોલીસ તંત્ર ભારે દબાણમાં હોવાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે.

40 કલાક પછી પણ તપાસમાં મીડું

રાજકોટ શહેરમાં ઝડપાયેલી હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટીના પ્રકરણમાં 40 કલાકનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોલીસની તપાસ આગળ વધી શકી નથી. તાલુકા પોલીસ સ્ટેશનથી માંડ 850 મીટરના અંતરે જ ખુલ્લેઆમ દારૂની મહેફિલ ધમધમી રહી હતી, તેમ છતાં સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધાં ન આવી તે બાબત શંકાસ્પદ બની છે. 

દારૂ મંગાવનાર મુખ્ય વ્યક્તિ કોણ

આ કેસમાં દારૂ મંગાવનાર મુખ્ય વ્યક્તિ કોણ હતી અને તેના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે ત્યાં સુધી પોલીસ હજુ પહોંચી શકી નથી. ચર્ચાતી વિગતો અનુસાર આ પાર્ટીમાં પીરસાયેલો દારૂ પરમીટનો હતો કે પછી બુટલેગર પાસેથી ગેરકાયદે રીતે મંગાવવામાં આવ્યો હતો તે અંગે પણ રહસ્ય અકબંધ છે. 

પોલીસે માત્ર 11 ખાલી અને ભરેલી બોટલો જ દર્શાવી

એટલું જ નહીં, ઘટનાસ્થળે દારૂ અને બિયરની અનેક પેટીઓ હાજર હોવાની ચર્ચા હોવા છતાં પોલીસે માત્ર 11 ખાલી અને ભરેલી બોટલો જ દર્શાવી હોવાનો દાવો સામે આવતાં સમગ્ર કાર્યવાહી સામે આંગળીઓ ચીંધાઈ રહી છે.

વગદાર મોટામાથાઓને બચાવવા માટે પોલીસ ઉપર ભારે દબાણ 

આ સમગ્ર કેસમાં વગદાર મોટામાથાઓને બચાવવા માટે પોલીસ તંત્ર ઉપર ભારે દબાણ હોવાની લોકમુખે જોરદાર ચર્ચા ચાલી રહી છે. રાજકોટ અને મોરબી પંથકના વગદાર શખ્સો દ્વારા સમગ્ર મામલે ભીનું સંકેલવા માટે ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ભલામણો કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

હોટેલ માલિક વિરુદ્ધ પણ કોઈ ગુનો નહીં

આ સમગ્ર ઘટનાક્રમમાં જે હોટેલમાં આખી મહેફિલનું આયોજન થયું હતું તે હોટેલ માલિક વિરુદ્ધ પણ કોઈ ગુનો નોંધવામાં ન આવતાં પોલીસની પ્રામાણિક કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. 

એફઆઈઆરમાં આરોપીની અટક બદલાઈ

બીજી તરફ, પોલીસ દ્વારા નોંધાયેલી એફઆઈઆરમાં આરોપીની અટક બદલાઈ જતાં ભારે વિવાદ સર્જાયો હતો. આરોપીની અટક બદલવાની આ હરકતથી પોલીસ પ્રશાસન શંકાના ઘેરામાં મુકાયું છે અને તપાસને ભટકાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

મોંઘીદાટ કાર કેમ કબ્જે કરવામાં ન આવી

મહેફિલના સ્થળે હાજર રહેલી મોંઘીદાટ કાર કેમ કબ્જે કરવામાં ન આવી તે સવાલ પણ હાલ ચર્ચાની એરણે ચડ્યો છે. સમગ્ર મામલો વિવાદિત બનતાં હવે આ કેસની વધુ તપાસ તાલુકા પોલીસ પાસેથી આંચકીને માલવિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. 

ભીનું સંકેલવાની ચાલ

પોતાની બેદરકારી છુપાવવા માટે સમગ્ર મામલે દોષનો પોટલો મીડિયા ઉપર ઢોળવાના હેતુથી કેટલાક તત્ત્વો સોશિયલ મીડિયામાં મેદાને આવ્યા છે. આમ, દારૂ મંગાવનારના મૂળ સુધી પહોંચવાને બદલે ભીનું સંકેલવાની ચાલથી પોલીસની ભૂમિકા સામે ભારે રોષ ફેલાયો છે. 


આ પણ વાંચો :     Crime : પરિવારના 4 સભ્યોની હત્યા કરી મોભીએ ટ્રેન સામે ઝંપલાવી આપઘાત કર્યો