દાહોદ શહેરની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક દર્દીએ હોસ્પિટલના ચોથા માળેથી નીચે મોતની છલાંગ લગાવી દેતાં સમગ્ર સંકુલમાં ભારે ચકચાર મચી જવા પામી છે.છાતી અને પેટની બીમારીના કારણે દાખલ થયેલા રેટીયા ગામના દર્દી ફિરોજ જાદવભાઈ બિલવાલનું આ ગંભીર ઘટનામાં મોત નીપજ્યું હતું.આ અણધારી ઘટનાના પગલે હોસ્પિટલમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.
દર્દીએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી
પ્રાપ્ત વિગતો અનુસાર,રેટીયા ગામના રહેવાસી ફિરોજ જાદવભાઈ બિલવાલને શારીરિક તકલીફોના કારણે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.તેઓ છાતી અને પેટની બીમારીથી પીડાતા હોવાથી તેમને સારવાર આપવા માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન અચાનક આ દર્દીએ ચોથા માળે જઈને ત્યાંથી નીચે પડતું મૂકી દીધું હતું.દર્દીએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા નીચે પટકાતાની સાથે જ તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ પરિસરમાં બનેલી આ ઘટનાથી ત્યાં ભારે અફરાતફરી સર્જાઈ હતી અને સમગ્ર સ્ટાફમાં મોટો ખળભળાટ વ્યાપી ગયો હતો.
