વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા એમ.પી.સ્વામી (માધવપ્રિય) અને ડી.પી.સ્વામી (દર્શન પ્રકાશ)વધુ એક વિવાદમાં સપડાયા છે.બંનેએ ભેગા મળીને રાજકોટના ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે એક નિવૃત્ત અધિકારી સાથે 1.25 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો આક્ષેપ કરાયો છે.ડાકોરમાં 300થી 400 વીઘા જમીનમાં મંદિર બનાવવા માટે જમીન ખરીદવાની છે તેમ કહીને તેમણે 1.25 કરોડ રૂપિયા રોકડા લઈ લીધા હતા પરંતુ પાછા આપ્યા ન હતા.આ ઘટના અંગે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ એમ.પી.સ્વામી (અંકલેશ્વર),ડી.પી.સ્વામી (આણંદ),ચિંતન અશ્વિનભાઈ પરમાર (અમદાવાદ),લાલજી ઢોલા (સુરત)અને જેકીકુમાર શરદભાઈ રામી (ડાકોર) વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બે સ્વામીઓ અંગે સત્તાવાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું
વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થા દ્વારા બે સ્વામીઓ અંગે સત્તાવાર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે અને ખુલાસો કરાયો છે.એમ.પી.સ્વામી એટલે કે માધવપ્રિય સ્વામી તેમજ ડી.પી.સ્વામી એટલે કે દર્શનપ્રિય સ્વામી સામે વિવિધ સ્થળોએ વ્યક્તિઓ સાથે ગેરરીતિ અને છેતરપિંડી આચરવાના આક્ષેપો અંગે સમાચારો પ્રસિદ્ધ થયા હતા. આ સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના નામનો ઉપયોગ કરીને વિવિધ વ્યક્તિઓ સાથે છેતરપિંડી થતી હોવાની ચર્ચાઓ પણ ચાલી રહી હતી. વિવિધ સ્થળોએ લોકો સાથે ગેરરીતિ થઈ હોવાની વિગતો સામે આવતાં સંસ્થાએ સત્તાવાર નિવેદન આપ્યું છે.વડતાલ મંદિર સંસ્થાએ જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંને સ્વામીઓ વડતાલ મંદિરના ચોપડામાં રજિસ્ટર નોંધાયેલા ત્યાગી સંતો નથી.
