દાહોદ જિલ્લાના લીમડી શહેરમાં અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જ એક અત્યંત વજ્રઘાત સમાન અને દુઃખદ ઘટના સામે આવી છે.અહીં રથયાત્રાની શોભા વધારવા માટે લાવવામાં આવેલા લક્ષ્મી નામના ગજરાજનું અગમ્ય કારણોસર અચાનક મોત નીપજ્યું છે.રથયાત્રા નગરમાં ભ્રમણ કરે તે પહેલા જ વહેલી સવારે ગજરાજે અંતિમ શ્વાસ લેતા સમગ્ર પંથકના ભાવિક ભક્તો સ્તબ્ધ થઈ ગયા છે.
ગજરાજ લક્ષ્મીના અકાળે અવસાનથી શોક
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજનું સ્થાન અત્યંત પવિત્ર અને મહત્વનું માનવામાં આવે છે ત્યારે રથયાત્રા શરૂ થાય તે પૂર્વે જ બનેલી આ કાળમુખી ઘટનાથી ઉત્સવનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો છે.ગજરાજ લક્ષ્મીના અકાળે અવસાનથી રથયાત્રાના આયોજકો,સંતો-મહંતો તેમજ સ્થાનિક શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.આ ઘટના અંગે વહીવટી તંત્ર અને વન વિભાગની ટીમ દ્વારા મોતનું સાચું કારણ જાણવા માટે વધુ તપાસ અને કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
