ગુજરાતમાં ચૂંટણીઓ કે રાજકીય માહોલ ગરમાતીની સાથે જ પક્ષપલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. દાહોદ જિલ્લામાંથી આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ઝટકો લાગ્યો છે. લીમખેડા ખાતે આયોજિત ભાજપના ભવ્ય સ્નેહમિલન સંમેલન દરમિયાન આમ આદમી પાર્ટીના એક અગ્રણી અને સક્રિય યુવા ચહેરાએ કેસરિયો ધારણ કરીને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

આપના પ્રદેશ યુવા મોર્ચાના ઉપપ્રમુખનું ભાજપમાં આગમન

મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના ઉપપ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા રાકેશ ભરવાડ દ્વારા પક્ષ સાથેનો નાતો તોડીને ભાજપનો હાથ પકડવામાં આવ્યો છે. યુવા નેતા તરીકે સક્રિય ગણાતા રાકેશ ભરવાડના પક્ષપલટાથી જિલ્લામાં આપ સંગઠનને મોટો ફટકો પડ્યો છે, જ્યારે શાસક પક્ષ ભાજપની તાકાતમાં વધુ એક ઉમેરો થયો છે.

Dahod News: AAP Youth Vice-President Rakesh Bharwad Joins BJP

સાંસદ જશવંતસિંહ ભાભોરે કરાવ્યો વિધિવત પ્રવેશ

લીમખેડામાં યોજાયેલા આ સ્નેહમિલન સંમેલનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ જોવા મળી હતી. દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં આ પક્ષપલટાનો કાર્યક્રમ સંપન્ન થયો હતો. સાંસદે રાકેશ ભરવાડને ભાજપનો વિધિવત ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા અને ભવિષ્યની જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.


આ પણ વાંચો: Dahod News: રેટીયા ગામના દર્દીએ ઝાયડસ હોસ્પિટલના ચોથા માળેથી છલાંગ લગાવી, નીચે પટકાતા મોત નિપજ્યું