દાહોદ ખાતે આયોજિત 'વિશ્વ આદિવાસી દિવસ' ના સત્તાવાર અને જાહેર કાર્યક્રમો દરમિયાન અચાનક વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. શાંતિપૂર્ણ ઉજવણી વચ્ચે અમુક અસામાજિક તત્વો અને રાજકીય કાર્યકરો દ્વારા ઉશ્કેરણી કરાતાં સ્થિતિ વણસી હતી.
દાહોદમાં પોલીસ પર પથ્થરમારો
જોતજોતામાં ઉશ્કેરાયેલા ટોળાએ બંદોબસ્તમાં તૈનાત પોલીસ કાફલાને નિશાન બનાવીને ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ અચાનક થયેલા હુમલામાં ફરજ પર હજાર 1 PSI (પોલીસ સબ ઈન્સ્પેક્ટર), 2 મહિલા પોલીસ કર્મચારીઓ અને 1 અન્ય પોલીસ જવાન લોહીલુહાણ થઈ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
1 PSI અને 2 મહિલા પોલીસકર્મી સહિત 4 ઈજાગ્રસ્ત
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ, પથ્થરમારો, મારામારી અને સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરવા સહિતની કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એફઆઈઆરમાં 14 લોકોના નામજોગ અને આશરે 200 જેટલા અજ્ઞાત લોકોના ટોળા સામે કેસ નોંધ્યો છે.
પોલીસે 14 નામજોગ અને 200 ના ટોળા સામે નોંધ્યો ગુનો
પોલીસે ઘટનાસ્થળે અને સીસીટીવી/વીડિયો ફુટેજના આધારે દરોડા પાડીને 13 મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં આમ આદમી પાર્ટી (AAP) મીડિયા સેલના ગુજરાતના ઉપપ્રમુખ ક્રિષ્ણા ચારેલ, દેવેન્દ્ર મેડા, નિર્મલ ચારેલ, અજય ચારેલ, મહેન્દ્ર માવી, ધીરજ હઠીલા, અનીલ હઠીલા, મહેશ પલાશ, જીગર નિનામા, વિકાસ બિલવાળ, કમલેશ વળવી, આશીષ ડામોર, શંકર પરમાર અને સતીષ બંભેરીયાનો સમાવેશ થાય છે. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: હીરાવાડીમાં ગંદકી વચ્ચે બનતી 1500 કિલો લોલીપોપનો જથ્થો AMC ફૂડ વિભાગે જપ્ત કર્યો