અમદાવાદ શહેરમાં ખાણી-પીણીની વસ્તુઓમાં ભેળસેળ અને અસ્વચ્છતા સામે AMCનું ફૂડ વિભાગ સતત આક્રમક મોડમાં કામગીરી કરી રહ્યું છે. શહેરના હીરાવાડી વિસ્તારમાં એક સનસનાટીભર્યા દરોડા દરમિયાન ફૂડ વિભાગની ટીમે મોટા પાયે બનાવવામાં આવતી સુગર બોઇલ્ડ કન્ફેક્શનરી (લોલીપોપ) ના ગેરકાયદે ઉત્પાદનનો પર્દાફાશ કર્યો છે.

હીરાવાડીમાં ગંદકી અને ભંગાર વચ્ચે બનાવાતી લોલીપોપ જપ્ત

સ્થળ પરથી AMC ની ટીમે આશરે 1,500 કિલોગ્રામ કન્ફેક્શનરી અને લોલીપોપનો જથ્થો જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફૂડ વિભાગની તપાસમાં ચોંકાવનારા દ્રશ્યો અને અનિયમિતતાઓ સામે આવી હતી. જે જગ્યા પર આ લોલીપોપ બનાવવામાં આવતી હતી ત્યાં ચારેય બાજુ અત્યંત ગંદકી અને ભંગાર પડેલો હતો. આવી અસ્વચ્છ જગ્યા પર માખીઓ અને ગંદકી વચ્ચે નાના બાળકો આવશ્યકપણે ખાતા હોય તેવી લોલીપોપ તૈયાર કરવામાં આવતી હતી.

રિટેલર લાઇસન્સની આડમાં ચાલતું ગેરકાયદે યુનિટ

વધુ તપાસમાં બહાર આવ્યું હતું કે યુનિટના સંચાલક પાસે ઉત્પાદનનું કાયદેસરનું લાઇસન્સ ન હતું, પરંતુ તેઓ માત્ર રિટેલર લાઇસન્સના આધારે આ મોટું મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવી રહ્યા હતા. AMC ના ફૂડ અધિકારીઓએ 1500 કિલો જથ્થો જપ્ત કરી સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે અને ખાદ્યપદાર્થોના સેમ્પલ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.

આ પણ વાંચો: Nizhnekamsk Drone Attack: રશિયાના તાતારસ્તાનમાં યુક્રેનનો ડ્રોન હુમલો, તેલ કેન્દ્ર પર 13 લોકોના મોત, 48 ઈજાગ્રસ્ત