દાહોદ શહેરની એસ.પી. ઓફિસ કમ્પાઉન્ડ નજીક આવેલા મહત્વપૂર્ણ 'નેત્રમ્' સીસીટીવી કંટ્રોલ સેન્ટરમાં આજે અચાનક આગ લાગવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કંટ્રોલ સેન્ટરના ઇલેક્ટ્રિક પેનલ રૂમમાં રાખવામાં આવેલા બે એર કન્ડીશનર (AC) માં કોઈ અગમ્ય કારણોસર અચાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકા સાથે આગના ગોટા નીકળતાં જ કંટ્રોલ સેન્ટરમાં ફરજમાં રહેલા પોલીસ અને ટેકનિકલ કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

નેત્રમ્ સીસીટીવી કંટ્રોલ સેન્ટરમાં આગ

આગ લાગતાં જ કંટ્રોલ રૂમમાં રહેલા તમામ કર્મચારીઓએ અદભુત સમયસૂચકતા દર્શાવી હતી અને વિલંબ કર્યા વગર તુરંત જ બિલ્ડિંગની બહાર દોડી ગયા હતા. કર્મચારીઓની આ ત્વરિત સતર્કતાના કારણે એક બહુ મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ કર્મચારીઓ સહીસલામત બહાર નીકળી ગયા હતા.ઘટનાની જાણ થતાં જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ફાયર ફાઇટરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ કંટ્રોલ રૂમની આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં પેનલ રૂમમાં રહેલા બે એર કન્ડીશનર બળીને સંપૂર્ણ ખાખ થઈ ગયા હતા.

લેક્ટ્રિક પેનલ રૂમમાં બે AC માં બ્લાસ્ટ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ની ટેકનિકલ ટીમ પણ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને વીજ પુરવઠો ડિસ્કનેક્ટ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. સદનસીબે આ સમગ્ર બનાવમાં કોઈ જાનહાનિ કે શારીરિક ઈજા ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

આ પણ વાંચો: Ahmedabad: પાલડી સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાય 10 હજારની લાંચ લેતા એસીબીની ટ્રેપમાં ઝડપાયા