દાહોદ પંથકમાં સર્જાયેલા અત્યંત ભયાનક અને ગમખ્વાર ત્રિપલ અકસ્માતના કેસમાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ક્રૂઝર, ઈકો ગાડી અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ગંભીર રીતે ઘવાયેલા ૧૪ વર્ષીય કિશોરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. આ સાથે જ આ ગોઝારા અકસ્માતમાં કુલ મૃત્યુઆંક વધીને હવે 4 પર પહોંચ્યો છે. એક પછી એક ચાર જિંદગીઓ કાળમુખા અકસ્માતનો ભોગ બનતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
14 વર્ષીય યોગેશ ભૂરિયા જિંદગી સામેનો જંગ હારી ગયો
દુર્ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસારદાહોદ માર્ગ પર ક્રૂઝર, ઈકો કાર અને બાઈક વચ્ચે જોરદાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્થળ પર અને અગાઉ કુલ 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માત સમયે બાઈક પર સવાર 14 વર્ષીય યોગેશ અરવિંદભાઈ ભૂરિયા (જે મિલન નામના યુવક સાથે સવાર હતો) ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ હોવાના કારણે યોગેશને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.તબીબોની ભારે જહેમત છતાં 14 વર્ષીય યોગેશ સારવાર દરમિયાન જિંદગીનો જંગ હારી જતાં પરિવારે વહાલસોયો દીકરો ગુમાવ્યો છે.
