ગુજરાતના જીરું પકવતા ખેડૂતો માટે લાંબા સમય બાદ માર્કેટમાંથી અત્યંત ઉત્સાહજનક અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વપ્રસિદ્ધ ઊંઝા માર્કેટિંગ યાર્ડ સહિતના બજારોમાં જીરુંના ભાવમાં પ્રતિ 20 કિલો (એક મણ) દીઠ ₹1,000થી ₹1,200નો તોતિંગ વધારો નોંધાયો છે. ગત સિઝનમાં મબલખ ઉત્પાદનના ભાર હેઠળ તળિયે બેસી ગયેલા ભાવો હવે આગામી સિઝનમાં વાતાવરણના પ્રતિકૂળ સંકેતો અને 'અલ નીનો'ની સંભવિત અસરને પગલે તેજી તરફ વળ્યા છે. પડતર કિંમત કરતાં પણ ઊંચા ભાવ મળવાની શરૂઆત થતાં છેલ્લા ત્રણ વર્ષથી આર્થિક નુકસાન વેઠી રહેલા ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગત વર્ષે ₹5,000 થી ગગડીને ભાવ ₹3,500 સુધી પહોંચ્યા હતા

ગત વર્ષે અનુકૂળ હવામાન અને સારો વરસાદ રહેતાં સમગ્ર ગુજરાતમાં જીરુંનું રેકોર્ડબ્રેક ઉત્પાદન થયું હતું. બજારમાં મોટા જથ્થાની આવક થતાં ઊંઝા યાર્ડમાં જીરુંના ભાવ પ્રતિ 20 કિલોએ ₹5,000  થી ગગડીને સીધા 3,500 ના તળિયે પહોંચી ગયા હતા.ઉત્પાદન વધુ હોવા છતાં વૈશ્વિક ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ , ટ્રાન્સપોર્ટેશનની સમસ્યાઓ અને સ્થાનિક વાતાવરણમાં ફેરફારના કારણે નિકાસ તથા બજારની માંગ સતત નબળી રહી હતી, જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો હતો.

'અલ નીનો' અને ઊંચા તાપમાનથી વાવેતર-ઉત્પાદન ઘટવાની ભીતિ

અલ નીનોની અસર: આગામી સિઝનમાં 'અલ નીનો' સક્રિય થવાની સંભાવનાને પગલે શિયાળુ પાક માટે પાણીની અછત ઊભી થવાનો ભય સેવાઈ રહ્યો છે.જર્મિનેશન પર અસર: વાવેતર સમયે ઊંચું તાપમાન રહેવાના કારણે જીરુંના ઉગાવા (Germination) પર પ્રતિકૂળ અસર થવાની શક્યતા છે, જેનાથી એકંદર વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ઘટી શકે છે.તહેવારોની માંગ: આગામી તહેવારોની સિઝનને કારણે સ્થાનિક બજારોમાં જીરુંની માંગમાં અચાનક નોંધપાત્ર વધારો થયો છે.આ તમામ પરિબળોના સંયુક્ત પ્રભાવથી સ્ટોકિસ્ટો અને વેપારીઓમાં ખરીદી નીકળતાં બજારમાં પ્રતિ મણ સીધો ₹૧,૦૦૦ થી ₹૧,૨૦૦ નો મોટો ઉછાળો નોંધાયો છે.

આ પણ વાંચો: Patan: હારીજમાં 11 વર્ષની માસૂમ બાળકીને ગરબા ચોકમાંથી ઢસડી જઈ આચર્યું દુષ્કર્મ; પિતાએ માઈક પર એનાઉન્સમેન્ટ કરતાં આરોપી ભાગ્યો!