દાહોદ શહેરમાં ધાર્મિક પ્રવાસના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી આચરાઈ હોવાનો મોટો આક્ષેપ થયો છે.ગોધરા રોડ પર ચામુંડા કોમ્પ્લેક્સમાં આ યાત્રા માટે એક ઓફિસ ખોલવામાં આવી હતી.આ ઓફિસ મારફતે મહિલાઓને હરિદ્વાર દર્શન માટે આકર્ષક લાલચ આપવામાં આવી હતી.આયોજકોએ માત્ર 4200માં હરિદ્વાર યાત્રા કરાવવાની ખાતરી આપી હતી.આયોજકો દ્વારા આ બહાને મહિલાઓ પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હતા.તેમાં છ દિવસીય ધાર્મિક કથા અને દર્શનનું આયોજન હોવાનું જણાવાયું હતું.યાત્રા પૂર્ણ થયે રકમ પરત આપવાની લાલચ આપી નાણાં વસૂલ્યાનો આરોપ છે.

અનેક મહિલાઓએ યાત્રાનું બુકિંગ કરાવી લીધું હતું

ધાર્મિક આસ્થાના વિશ્વાસે અનેક મહિલાઓએ યાત્રાનું બુકિંગ કરાવી લીધું હતું.જોકે યાત્રાની તારીખ નજીક આવતાં જ આયોજકોની ઓફિસને અચાનક તાળાં લટકતાં જોવા મળ્યાં હતાં. ઓફિસ બંધ મળતાં બુકિંગ કરાવનાર મહિલાઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો.પ્રવાસના નિયત દિવસે સંચાલકોનો સંપર્ક નહીં થતાં મહિલાઓની ચિંતા વધી હતી. કોઈ જાણ કર્યા વિના આયોજકો ઓફિસ બંધ કરી દેતાં મહિલાઓ દોડતી થઈ ગઈ હતી.ધર્મના નામે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં મહિલાઓ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી હતી. તેમણે પોલીસ સમક્ષ સમગ્ર બનાવની વિગતવાર લેખિત ફરિયાદ રજૂ કરી હતી.

તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માગ

છેતરાયેલી મહિલાઓએ આયોજકો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.આ બનાવને પગલે દાહોદ પંથકમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી જવા પામ્યો છે.શ્રદ્ધાળુઓની આસ્થાનો ગેરલાભ ઉઠાવાયો કે પછી કોઈ મોટું ષડયંત્ર રચાયું તે ચર્ચાસ્પદ બન્યું છે.કેટલી મહિલાઓ પાસેથી કુલ કેટલા નાણાં વસૂલાયા તે વિગત હજુ સ્પષ્ટ થઈ નથી. આ યાત્રાના મુખ્ય આયોજકો કોણ છે તે અંગે પણ રહસ્ય ઘેરાયેલું જોવા મળે છે.મહિલાઓની લેખિત ફરિયાદ મળ્યા બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ આગળ વધતાં સમગ્ર મામલે મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.

આ પણ વાંચોઃ Ahmedabad: નાના ચિલોડામાં નશામાં ધૂત કારચાલકે દંપતીને મારી ટક્કર, વર્ના કારમાંથી દારૂની બોટલ મળતાં 2 શખ્સોની અટકાયત