અમદાવાદ શહેરમાં નશામાં ધૂત વાહનચાલકો દ્વારા નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મૂકવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં બુધવારના રોજ દારૂના નશામાં ચકચૂર બનેલા એક વર્ના કારચાલકે બેફામ ડ્રાઈવિંગ કરીને રસ્તા પર એક્ટિવા લઈને જઈ રહેલા દંપતીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કારની તપાસ કરતાં અંદરથી દારૂની બોટલ મળી આવી હતી. કારચાલક અને તેનો સાથીદાર નશાની હાલતમાં હોવાનું સામે આવતાં ઉશ્કેરાયેલા ટોળાએ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચી રાજકોટના રહેવાસી એવા બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટના 2 શખ્સો પોલીસ સકંજામાં

 નાના ચિલોડા વિસ્તારમાં એક દંપતી પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યું હતું, ત્યારે પાછળથી કે સામેથી પૂરપાટ ઝડપે આવેલી વર્ના કારે તેમને અડફેટે લીધા હતા, જેના કારણે દંપતી રોડ પર પટકાયું હતું. અકસ્માત બાદ એકઠા થયેલા સ્થાનિક લોકોએ જ્યારે કારચાલક અને તેની બાજુમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરી ત્યારે બંને લથડિયા ખાતા હતા અને ભારે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. કારની અંદર તપાસ કરતાં દારૂની બોટલ પણ મળી આવી હતી.નશામાં ધૂત થઈને નિર્દોષ દંપતીનો જીવ જોખમમાં મૂકનારા શખ્સોની કરતૂત જોઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ કારચાલકને પકડીને જાહેરમાં મેથીપાક આપ્યો હતો.બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટોળાના કબજામાંથી બંને શખ્સોને છોડાવી અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓના નામ ચિરાગ ગાંગાણી અને ગૌતમ ગોહિલ હોવાનું તથા બંને મૂળ રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ગુનો નોંધી સઘન તપાસ આદરી

પોલીસે અકસ્માત સર્જનાર વર્ના કાર અને અંદરથી મળી આવેલી દારૂની બોટલ કબજે કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ (નશાની હાલતમાં વાહન ચલાવવું), પ્રોહિબિશન એક્ટ અને બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જવા બદલ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 13 November 2026 News: પીએમ મોદીનો કર્ણાટક-ગુજરાત પ્રવાસ, છઠ મહાપર્વનો પ્રારંભ, IITF 2026નું ઉદ્ઘાટન