ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે આજે એક એવી ઘટના ઘટી છે, જેને સાંભળીને પથ્થર હૃદયના માણસની આંખમાંથી પણ આંસુ સરી પડે. પોતાના કાળજાના ટુકડા સમાન બે માસૂમ બાળકીઓને ખોળામાં લઈને એક માતાએ ગામના કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા આખું ગામ આઘાતમાં સરી પડ્યું છે.

કૂવામાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા

મળતી વિગતો અનુસાર, અનવરપુરા ગામે રહેતા 23 વર્ષીય સુનીતાબેન પપ્પુભાઈ કલારાએ આજે કોઈ અગમ્ય કારણોસર પોતાની 3 વર્ષની દીકરી પ્રાચી અને દોઢ વર્ષની દીકરી વંશી સાથે ગામમાં આવેલા કૂવામાં છલાંગ લગાવી દીધી હતી. ત્રણેય જણા કૂવાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ગ્રામજનોને આ અંગેની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

એકસાથે ત્રણ જિંદગીઓ હોમાઈ

માહિતી મળતા જ ઝાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સ્થાનિક તરવૈયાઓની મદદથી કૂવામાં શોધખોળ આદરી હતી, જેમાં કલાકોની જહેમત બાદ માતા સુનીતાબેન અને એક બાળકીનો મૃતદેહ કૂવામાંથી લોહી થીજી જાય તેવી હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક બાળકી હજુ સુધી મળી ન હોવાથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કૂવાના ઊંડા પાણીમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ૨૩ વર્ષની નાની ઉંમરે સુનીતાબેને આટલું મોટું અને આત્મઘાતી પગલું કેમ ભર્યું? ઘરકંકાસ, આર્થિક તંગી કે અન્ય કોઈ પારિવારિક કારણ છે? તે અંગે ઝાલોદ પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ કરી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. એકસાથે ત્રણ જિંદગીઓ હોમાઈ જતાં અનવરપુરા સહિત સમગ્ર ઝાલોદ પંથકમાં માતમ છવાઈ ગયો છે.

આ પણ વાંચો: Monsoon 2026 : ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર ‘કમબેક’, 24 કલાકમાં 112 તાલુકા જળમગ્ન, જાણો ક્યાં કેવો પડશે વરસાદ